News of Monday, 21st September 2026
શહેરમાં ટ્રાફિક પોલીસનો સપાટોઃ નંબર પ્લેટ વગરના ૧૪૭ વાહનો ડીટેઇન કરાયા
૧૯ કાર અને ૧૨૮ ટુવ્હીલર સામેલઃ જુના પેન્ડીંગ ચલણ ભરપાઇ કરાવડાવી ૧.૧૯ લાખનો દંડ વસુલાયોઃ ડીસીપી ટ્રાફિક ડો. હરપાલસિંહ જાડેજા, એસીપી લાલીવાલા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૧: શહેરમાં ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન થાય અને ગુનાખોરી પર અંકુશ મેળવી શકાય તે હેતુથી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને જેસીપી ચૈતન્ય મંડલીકના માર્ગદર્શન હેઠળ તા. ૧૯ ના રોજ રાત્રિ કોમ્બિંગ તેમજ તા. ૨૦ના રોજ દિવસ દરમિયાન શહેરના વિવિધ ટ્રાફિક જંકશનો પર સઘન વાહન ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જે અંતર્ગત ખાસ કરીને નંબર પ્લેટ વગર નીકળેલા વાહનચાલકો સામે કડક કાર્યવાહી થઇ હતી. પોલીસે ૧૯ કાર અને ૧૨૮ ટુવ્હીલર જે નંબર પ્લેટ વગરના હતાં તે ડીટેઇન કર્યા હતાં.
જાણવા મળ્યા મુજબ ડીસીપી ટ્રાફિક ડો. હરપાલસિંહ જાડેજા, એસીપી ટ્રાફિક એમ. એમ. લાલીવાલાની રાહબરીમાં ટીમોએ કામગીરી કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન નંબર પ્લેટ વગર દોડતા કુલ ૧૪૭ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે, જેમાં ૧૯ ફોરવ્હીલર અને ૧૨૮ ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન પકડાયેલા વાહનોનો હિસ્ટ્રી રેકોર્ડ ચેક કરતા અનેક વાહનચાલકોના જૂના ઇ-ચલાણ બાકી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક ધોરણે ૨૪૯ જેટલા જૂના પેન્ડિંગ ચલાણનો નિકાલ કરાવી કુલ રૂપિયા ૧,૧૯,૨૦૦ની દંડકીય રકમ વસૂલ કરી હતી. રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે માર્ગ સલામતી અને ટ્રાફિક નિયંત્રણ માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ સતત ચાલુ રહેશે. પોલીસે તમામ શહેરીજનોને પોતાના વાહનો પર નિયમાનુસારની નંબર પ્લેટ લગાવવા અને ટ્રાફિકના તમામ નિયમોનું કડકપણે પાલન કરવા અપીલ કરી છે.
(4:25 PM IST)










