<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

નવલા નોરતાની રંગત પહેલાં જ ગરબાના તાલે બાળાઓની તાલીમઃ થનગનાટ

કરણપરા ચોકની શ્રી અંબિકા ટ્રસ્‍ટની ગરબીમાં ૪૦ બાળાઓ રાસની તાલીમમાં વ્‍યસ્‍તઃ ગાયકો-સાજીંદાઓના સૂર-તાલ સાથે અવનવા રાસની તૈયારીઓ

રાજકોટઃ નવલા નોરતાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્‍યારે રાજકોટ શહેરમાં ગરબી-ગરબાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. શહેરના વિવિધ ગરબી મંડળોમાં બાળાઓ દ્વારા અવનવા રાસ અને ગરબાની તાલીમ લેવામાં આવી રહી છે. સાંજ પડતાં જ ગરબીના મેદાનોમાં ઢોલ-નગારાના તાલ અને ગરબાના સૂર ગુંજી ઊઠે છે, ત્‍યારે બાળાઓ પણ રાસના તાલે તાલ મિલાવીને નવરાત્રીના રંગને વધાવવા સજ્જ થઈ રહી છે. કરણપરા ચોક ખાતે આવેલી વિખ્‍યાત શ્રી અંબિકા ટ્રસ્‍ટની ગરબીમાં ૪૦ જેટલી બાળાઓ રાસની તાલીમ લઈ રહી છે. ગાયકો અને સાંજીંદાઓ દ્વારા બાળાઓને વિવિધ રાસના તાલ, લય અને પગલાંની ઝીણવટભરી તાલીમ આપવામાં આવી રહી છે. બાળાઓ પણ ઉત્‍સાહભેર રાસની પ્રેક્‍ટિસ કરી રહી છે અને નવરાત્રી દરમિયાન શ્રેષ્ઠ પ્રસ્‍તુતિ આપવા માટે મહેનત કરી રહી છે. શ્રી અંબિકા ટ્રસ્‍ટની ગરબીની વિશેષતા એ છે કે અહીં એક-બે વર્ષ નહીં પરંતુ છેલ્‍લા ૪૫ વર્ષથી પરંપરાગત રીતે ગરબીનું આયોજન કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે બાળાઓને ગરબા અને રાસની તાલીમ આપવામાં આવે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:05 PM IST)