News of Saturday, 14th November 2026
બાળદિને રાજકોટમાં જવાહરલાલ નેહરુના વિચારોની પુષ્પાંજલિ
કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં પંડિત નેહરુના જીવન, વિચારો અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન પર વિશેષ સેમિનાર : પુષ્પાંજલી કાર્યક્રમ

રાજકોટ : આજે ૧૪ નવેમ્બર એટલે કે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં બાળદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે પંડિત જવાહરલાલ નેહરુના જીવનચરિત્ર, વિચારો અને દેશના વિકાસમાં તેમના યોગદાનને યાદ કરવા વિશેષ ‘પુષ્પાંજલિ' કાર્યક્રમ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહી પંડિત નેહરુના વ્યક્તિત્વ અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
પંડિત જવાહરલાલ નેહરુને બાળકો પ્રત્યેના વિશેષ સ્નેહને કારણે ‘ચાચા નેહરુ' તરીકે ઓળખવામાં આવતા હતા. તેમનો જન્મદિવસ દેશભરમાં બાળદિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેહરુનું માનવું હતું કે બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમના શિક્ષણ, સંસ્કાર તથા સર્વાંગી વિકાસમાં જ રાષ્ટ્રની સાચી પ્રગતિ સમાયેલી છે. આ જ વિચારધારાને કેન્દ્રમાં રાખીને યોજાએલ સેમિનારમાં તેમના જીવનના વિવિધ પાસાઓ અને ઐતિહાસિક યોગદાનને ઉજાગર કરવામાં આવેલ.
આજના રાજકીય અને સામાજિક માહોલમાં પંડિત નેહરુના વિચારો પર ચર્ચા થવી પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. લોકશાહી મૂલ્યો, બિનસાંપ્રદાયિકતા, વૈજ્ઞાનિક અભિગમ, શિક્ષણ અને આધુનિક ભારતના પાયાના નિર્માણમાં નેહરુની ભૂમિકા ભારતીય ઇતિહાસનો મહત્ત્વનો અધ્યાય છે. એક તરફ બાળદિવસ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો સંદેશ આપે છે, તો બીજી તરફ પુષ્પાંજલિ કાર્યક્રમ નવી પેઢીને દેશના ઇતિહાસ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનાર મહાનુભાવોથી પરિચિત કરાવવાનો પ્રયાસ બની રહ્યો હતો.
(3:38 PM IST)










