News of Thursday, 14th May 2026
રાજકોટમાં 'ભારવિ' બેઠકમાં સાહિત્ય અને અભિનયનો ત્રિવેણી સંગમ : 80 વર્ષીય કૌશિક સિંધવે વાચિક અભિનયથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા
વિશ્વ માતૃદિન નિમિત્તે 'શો મસ્ટ ગો ઓન'ના સૂત્ર સાથે રંગકર્મીઓ અને સાહિત્યકારોની જમાવટ : ચં.ચી. મહેતાના જીવન-કવનથી લઈને સાહિર લુધિયાનવીની શાયરીઓ સુધીની સફર

રાજકોટ: ભીષણ ગરમી અને વેકેશનના માહોલ વચ્ચે પણ રાજકોટમાં 'ભારવિ' સાહિત્યિક બેઠકનો ઉત્સાહ અકબંધ રહ્યો હતો. ગરમી અને અમુક વક્તાઓની ગેરહાજરી છતાં “શો મસ્ટ ગો ઓન” ના સિદ્ધાંતને સાર્થક કરતા સંજયભાઈ ઉપાધ્યાયના સંચાલનમાં બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશ્વ માતૃદિનની ઉજવણી સાથે સાહિત્ય, નાટક અને કાવ્ય પઠનનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
કૌશિક સિંધવનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન:
બેઠકના મુખ્ય આકર્ષણ તરીકે વરિષ્ઠ રંગકર્મી કૌશિકભાઈ સિંધવ નાદુરસ્ત તબિયત હોવા છતાં હાજર રહ્યા હતા. તેમણે પ્રખર નાટ્યકાર ચં.ચી. મહેતાની સવાશતાબ્દી નિમિત્તે તેમના પુસ્તક ‘ગઠરિયાં’ અને જીવન વિશે વિસ્તૃત વાત કરી હતી. 80 વર્ષથી વધુની ઉંમર હોવા છતાં, તેમણે ચં.ચી.ના નાટક ‘ગુર્જરી’નો અંશ માત્ર વાચિક અભિનય દ્વારા એવી રીતે રજૂ કર્યો કે ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને તેમને ઉભા થઈને સન્માન (સ્ટેન્ડિંગ ઓવેશન) આપ્યું હતું.
સાહિરની શાયરી અને માતૃવંદના:
જાણીતા લેખક-પત્રકાર જયંતભાઈ પીઠડીયાએ હિંદી-ઉર્દૂના મહાન શાયર સાહિર લુધિયાનવીના જીવન અને કવિતા પર અસ્ખલિત વક્તવ્ય આપ્યું હતું. તેમણે સાહિરના શેર અને ગીતો ટાંકીને શાયરાના માહોલ સર્જ્યો હતો. ત્યારબાદ, પ્રથમવાર ઉપસ્થિત રહેલા ચિત્રકાર અને કવયિત્રી શ્રદ્ધાબેન રાવલે માતૃદિન નિમિત્તે હિંદી કવિઓની અને પોતાની રચેલી ‘મા’ વિષયક કવિતાઓનું હૃદયસ્પર્શી પઠન કર્યું હતું, જેનો પરિચય નલિનભાઈ સૂચકે આપ્યો હતો.
*‘અનંતરાય’ સ્મૃતિલેખ અને ભાવભીની અંજલિ:*
ભારવિના સૌથી સિનિયર સભ્ય, 90 વર્ષીય હર્ષદભાઈ ઉપાધ્યાયે પોતાના દિવંગત ભાઈ અનંતરાય વિશે લખેલા દીર્ઘ સ્મૃતિલેખની ભૂમિકા બાંધી હતી. આ લેખનું આસ્વાદ સાથેનું વાચિકમ પ્રાધ્યાપિકા માધવીબેન પાઠકે કર્યું હતું. તેમણે એક તોફાની બાળકની ઉદાત્ત મનુષ્ય બનવાની સફર અને સામાજિક મૂલ્યોની સ્થાપનાના પ્રસંગોને સચોટ રીતે રજૂ કર્યા હતા. અંતમાં, જિગીશભાઈ રાવલે પોતાની તાજી રચેલી કાવ્યકૃતિ રજૂ કરી શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. બેઠકનું સમાપન સમૂહ તસવીર અને આઈસ્ક્રીમની લિજ્જત સાથે થયું હતું.
(2:02 PM IST)










