<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ન્‍યુ લાલબહાદુર નગરમાં પાણી મુદ્‌ે તુષાર સુમેરા ઘરે ઘરે પહોંચ્‍યા

શહેરમાં ગંદા પાણીની વ્‍યાપક ફરિયાદો વચ્‍ચે મ્‍યુ. કમિશનર વોર્ડ નં. ૧૮માં નાગરિકો વચ્‍ચે પાણીની ગુણવતા, વિતરણ, સમય, નિયમિતતા અંગે લોકો પાસેથી માહિતી મેળવી

રાજકોટઃ તા.૨૮: શહેરમાં ઘણા સમયથી ગંદા પાણીની વ્‍યાપક ફરિયાદો ઉઠી છે. તેવામાં  મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને ગુણવત્તાયુક્‍ત અને પારદર્શક વહીવટી સેવાઓ પૂરી પાડવા સાથે શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રોજેક્‍ટો ઝડપી ગતિએ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. આ કામગીરીઓની વાસ્‍તવિક સ્‍થિતિનો તાગ મેળવવા તથા સ્‍થળ પર જઈ નાગરિકો સાથે સીધો સંવાદ સ્‍થાપિત કરવા રાજકોટ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનરતુષાર સુમેરા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોની વ્‍યાપક ફિલ્‍ડ વિઝિટ કરવામાં આવી હતી. આ ફિલ્‍ડ વિઝિટ દરમિયાન મ્‍યુનિસિપલ કમિશનરએ વોર્ડ નં. ૧૮ના ન્‍યુ લાલબહાદુર નગર વિસ્‍તારમાં નાગરિકોના ઘરે જઈ પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી કરી હતી. ત્‍યારબાદ કોઠારિયા ટ્રાન્‍સફર સ્‍ટેશન ખાતે નિર્માણાધીન મટિરિયલ રિકવરી ફેસિલિટી (MRF)ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ અંતે સાઉથ ઝોન ઓફિસના નિર્માણકાર્યની પ્રગતિનું સ્‍થળ પર જઈ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ અને અમલીકરણ એજન્‍સીને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વોર્ડ નં. ૧૮માં આવેલ ન્‍યુ લાલબહાદુર નગર વિસ્‍તારમાં પાણી વિતરણના સમય દરમિયાન સીધા જ રહેવાસીઓના ઘરે પહોંચી પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી કરી હતી.

સામાન્‍ય રીતે અધિકારીઓ કચેરીમાં મળતી રજૂઆતોના આધારે નિર્ણય લેતા હોય છે, પરંતુ નાગરિકોને મળતી વાસ્‍તવિક સેવાઓની ગુણવત્તા જાણવા માટે કમિશનરએ ફિલ્‍ડમાં જઈ જાતે જ પાણીની સ્‍થિતિનું નિરીક્ષણ કર્યું હતું. રહેવાસીઓના ઘરે પહોંચી તેમણે નળમાંથી આવતું પીવાનું પાણી નિહાળ્‍યું, પાણીનો રંગ, સ્‍વચ્‍છતા, દબાણ તેમજ પુરવઠાની સ્‍થિતિ અંગે માહિતી મેળવી હતી.

આ ઉપરાંત રહેવાસીઓ સાથે ખુલ્લી ચર્ચા કરી નીચેના મુદ્દાઓ અંગે વિગતવાર અભિપ્રાયો મેળવ્‍યા હતા. પીવાનું પાણી નિયત સમયસર મળે છે કે નહીં.  પાણી પૂરતા દબાણ સાથે ઉપલબ્‍ધ થાય છે કે નહીં. પાણીની ગુણવત્તા સંતોષકારક છે કે નહીં. પાણી વિતરણ દરમિયાન કોઈ મુશ્‍કેલી કે ફરિયાદ છે કે નહીં. પાણી પુરવઠા સંબંધિત અન્‍ય સૂચનો અને સ્‍થાનિક સમસ્‍યાઓ. અંગે વિગતવાર અભિપ્રાયો મેળવ્‍યા હતા. રહેવાસીઓએ પોતાના અનુભવો અને સૂચનો મ્‍યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કર્યા હતા. નાગરિકોએ નિયમિત પાણી પુરવઠા અંગે સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો.

(4:19 PM IST)