તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 18th June 2026
જૈન દેરાસરમાં થયેલી ૪૩ લાખની ચોરીમાં ઓફિસબોય તન્નુ અને બે મિત્રો ઝડપાયાઃ ૩૩.૮૮ લાખની મત્તા કબ્જે
પેલેસ રોડ પરના ધર્મ સ્થાનમાં નોકરી વખતે કટકે કટકે તન્નુ ચોરી કરી બે મિત્રોને દાગીના આપતો હતોઃ રાજસ્થાન-ઉત્તરાખંડથી આરોપીઓને એ-ડિવીઝન પોલીસે પકડયા : પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ. એમ. રાણા, આર. એસ. ચાવડા અને ટીમની કામગીરીઃ સાગરભાઇ માવદીયા, કનુભાઇ બસીયા, મહેશભાઇ ચાવડા, કલ્પેશભાઇ બોરીચા અને ધર્મેશભાઇ ખાંડેખાની બાતમી

રાજકોટ તા. ૧૮: શહેરના પેલેસ રોડ પર આવેલા પવિત્ર જૈન દેરાસરમાંથી લાખો રૂપિયાની કિંમતી ચાંદી અને રોકડ રકમની ચોરી થવાની એક ચકચારી ઘટના સામે આવી હતી. જેમાં ઓફિસબોય તરીકે નોકરી કરતો રાજસ્થાની શખ્સ જ ચોરી કરી ગયાનું ખુલ્યું હતું. એ-ડિવિઝન પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી રાજસ્થાની કર્મચારી અને તેને ચોરીમાં મદદ કરનારા રાજકોટના બે શખ્સોને રાજસ્થાન અને ઉત્તરાખંડથી પકડી લઇ ચાંદી, રોકડ મળી કુલ ૩૩,૮૮,૧૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે રાજસ્થાનના વતની હહાલ રાજકોટ પેલેસ રોડ પર જૈન દેરાસર ખાતે રહેતાં તન્નુ ભગવતીપ્રસાદ આમેટા (ઉ.વ.૨૪) અને તેના મિત્રો આદિત્ય ઉર્ફે આદી ભીમરાવ રામ (ઉ.વ.૨૧) અને સંદિપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ.૨૮)ને પકડી લઇ તેની પાસેથી રૂા. ૨૮,૮૮,૧૩૦નું ૧૧ કિલો ૩૨૬ ગ્રામ ચાંદી અને રોકડા રૂપિયા ૫ લાખ કબ્જે કર્યા છે. આ બનાવમાં ગત તારીખ ૨૨/૦૫ના રોજ જૈન દેરાસરના ટ્રસ્ટી હેમંતભાઈ ઈન્દુલાલભાઈ શાહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદની વિગત અનુસાર દેરાસરની ઓફિસના સ્ટ્રોંગરૂમમાં આવેલા લોખંડના કબાટના ખાનામાં ટ્રસ્ટે રાખેલા ચાંદીના ચોરસા, ચાંદીના સિક્કા અને ચાંદીની એક થાળી, જેનું કુલ વજન ૧૩.૮૪૦ કિલોગ્રામ હતું અને જેની અંદાજિત કિંમત ૩૫,૨૯,૨૦૦થતી હતી, તેમજ ૮,૦૦,૦૦૦ ની રોકડ રકમ મળી કુલ આશરે ૪૩,૨૯,૨૦૦ ની મત્તાની ચોરી થઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે દેરાસરમાં જ ઓફિસ બોય તરીકે કામ કરતા ૨૪ વર્ષીય કર્મચારી તન્નુ ભગવતીપ્રસાદ આમેટાએ જ ટ્રસ્ટનો વિશ્વાસઘાત કરીને અલગ-અલગ સમયે સ્ટ્રોંગરૂમમાંથી આ લાખોની મિલકતની ચોરી આચરી હતી. આ ગુનો ધાર્મિક સ્થાન સાથે જોડાયેલ હોઇ ગુનાની સંવેદનશીલતાને ધ્યાને લઈને રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલી, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી.જે. ચૌધરી દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને ત્વરિત પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશો અન્વયે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. વી. વાઢીયાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓની અલગ-અલગ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી.
દરમિયાન પીએસઆઇ એસ.એમ. રાણા, પી.એસ.આઈ. એસ. આર. ચાવડા તથા તેમની સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન હેડકોન્સ. સાગરભાઇ માવદીયા, કનુભાઇ બસીાય, મહેશભાઇ ચાવડા, કલ્પેશભાઇ બોરીચા, કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખાએ બાતમીને આધારે તન્નુ આમેટાને રાજસ્થાનથી પકડી લીધો હતો. તેની પુછતાછમાં એવી હકકીત ખુલી હતી કે તે ચોરી કરીને દાગીના અન્ય બે મિત્રો આદિત્ય અને સંદિપસિંહને આપતો હતો. જે ચાંદીના દાગીના વેંચીને રોકડા આવે તેમાંથી તેને રકમ આપતો હતો. આ બંને શખ્સો પૈકી આદિત્ય ઉત્તરાખંડ હોવાનું તન્નુએ કહેતાં ટીમ તત્કાળ ત્યાં પહોંચી હતી અને તેને દબોચ્યો હતો. જ્યારે ત્રીજો આરોપી સંદિપસિંહ રાજકોટમાં હોઇ તેને પણ પકડી લેવાયો હતો.
ંપીઆઇ જે.વી. વાઢિયા, પીએસઆઇ એસ. એમ. રાણા, એસ. આર. ચાવડા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ બોરીચા, સાગરભાઈ માવદીયા, મહેશભાઈ ચાવડા, કનુભાઇ બસીયા, કરણભાઇ વીરસોડીયા, ધર્મેશભાઇ પરમાર તેમજ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ ખાંડેખા અને તેજસભાઇ ડેરે આ કામગીરી કરી હતી.
(2:46 PM IST)










