તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
બે કલાકમાં બે ખૂન થયા-આરોપીઓ પકડાઇ ગયા, પરિવારોના માળા વિખેરાઇ ગયા

કાયદો કાયદાનું કામ કરે છે, પણ ગુનેગારોમાં કાયદાનો ભય રહ્યો ન હોય એ રીતે ગુનાખોરીમાં સતત વધારો!?: ગાંધીગ્રામના એસકે ચોકમાં ૩૨ વર્ષના યુવાનને સામુ જોઇ ગાળો બોલવા મામલે બે શખ્સે ઢાળી દીધોઃ મોરબી રોડ પર આવેલી સોસાયટીમાં શંકાશીલ પતિએ પત્નિને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી પછી પોતે કરી લીધા ઝેરના પારખા!
રાજકોટ તા. ૨૧: રંગીલા શહેર રાજકોટની ગણના શાંત શહેરમાં થાય છે. પરંતુ અહિ ક્યારે કોણ કોની શાંતિ હણી નાંખે અને કોના પરિવારના માળા વેરણછેરણ થઇ જાય તે કહેવું મુશ્કેલ થઇ ગયું છે. લોકોમાં સહન શક્તિનો અભાવ કે પછી બીજા કારણોસર નહિ જેવી વાતે ઉકળાટ થઇ પડે છે અને એક બીજા ઉપર જે હાથમાં આવે તેનાથી તૂટી પડે છે. આવી માથાકુટ ઘણીવાર ગંભીર થઇ જતી હોય છે અને વાત હત્યા સુધી પહોંચી જતી હોય છે. ક્ષણીક ક્રોધ, આવેશમાં આવી જઇ હુમલા કરી લેનારો માણસ કોઇના પરિવારના માળાને વેરણ છેરણ કરવામાં નિમીત બની જતો હોય છે. શહેરમાં બે કલાકમાં ગાળામાં બબ્બે હત્યા થઇ ગઇ. શુક્રવારે દેવદિવાળીને દિવસે આ ઘટનાઓ બની હતી. બંને ઘટનાને એક બીજા સાથે કંઇ લેવા દેવા નથી, પરંતુ બંને ઘટનામાં લોકોને આ પ્રકારના ગુના આચરવામાં કોઇ ભય નથી એવુ નજરે ચડી રહ્યું છે! ગાંધીગ્રામમાં ૩૨ વર્ષના યુવાનને સામે જોવા જેવી વાતે ગાળાગાળી થયા પછી છરીના ઘા ઝીંકી સરાજાહેર બે શખ્સે મોતને ઘાટ ઉતારી દીધો હતો. બીજી ઘટના મોરબી રોડની સોસાયટીમાં બની હતી. જ્યાં અઠાવન વર્ષના શંકાશીલ પતિએ અડતાલીસ વર્ષના પત્નિને કલેશને કારણે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી, પછી પોતે ઝેરના પારખા કર્યા હતાં. આ ઘટનામાં પતિએ પોતાના જ પરિવારનો માળો વિખેરી નાંખ્યો હતો. પોલીસે બંને ઘટનામાં તત્કાળ કાર્યવાહી કરી, જેટ ઝડપે આરોપીઓને ઝડપી લીધા. પરંતુ બંને ઘટનામાં બંને પરિવારોએ પોતાના સ્વજનોને કાયમને માટે ગુમાવી દીધા. કાયદો કાયદાનું કામ કરે છે એમાં ના નથી, પણ કાયદાનો ડર કદાચ લોકોમાં રહ્યો નથી એ વાતની પ્રતિતી કરાવતી ઘટનાઓ અવાર-નવાર શહેરીજનો સામે આવતી રહે છે. આવી જ હત્યાની બે ઘટનાની વિસ્તૃત વિગતો અહિ અલગ અલગ અહેવાલમાં રજુ છે.
(2:17 PM IST)










