News of Saturday, 11th July 2026
પડધરી પોલીસલાઇનમાં ઘુસી કાળા કાચવાળા વાહનોના વિડીયો ઉતારનાર રાજકોટના બે પકડાયા
પકડાયેલ બે પૈકી કૃણાલ ડાભીએ પત્રકારની ઓળખ આપી તેની સામે કાળા કાચ અંગેની કાર્યવાહી થતા પોલીસના વાહનોના વિડીયો ઉતાર્યાની કેફીયત આપી

રાજકોટ, તા. ,૧૦: પડધરી પોલીસ લાઇનમાં ઘુસી પોલીસના કાળા કાચવાળા વાહનોનો વિડીયો ઉતારવા ગયેલ બે શખ્સો સામે પડધરી પોલીસે ગુન્હો દાખલ કરી ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ પડધરીના પોલીસ કર્મચારી વિપુલ ડાયાભાઇ પડાણી રહે. પડધરી પોલીસ લાઇન એ આરોપી (૧) કુણાલભાઇ હસમુખભાઇ ડાભી રહે. રાજકોટ શિવશકિત કૃપા રામનાથપરા ભવાનીનગર શેરી નં. ૪ તથા (ર) કિશનભાઇ વાડોલીયા રહે. રાજકોટ સામે પડધરી પોલીસમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીએ પોતાની જાહેર સેવક તરીકેની પોલીસ લાઇન જમાદાર તરીકેની ફરજના ભાગ રૂપે આરોપીઓને પોલીસ લાઇનના ગેઇટની અંદર પ્રવેશ કરતા રોકવા છતા આરોપીઓએ પોતાનું મો.સા. એકસેસ રજી. નંબર જી.જે.૩ એલપી ૬૦ વાળુ પોલીસ લાઇનની અંદર લઇ જઇ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી વિડીયો ઉતારી ઇશારો કરવા છતા પોતાનું વાહન ઉભુ ના રાખી ફરીયાદીએ તેઓની હાજરી બબતે પુછતા ધમકી આપી ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી પોતાનું મો.સા. પુર ઝડપે ચલાવી નાસી ગયા હતા અને કાળા કાચવાળા વાહનોનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો હતો.
દરમિયાન પડધરી પોલીસે નાસી છુટેલ બંને શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલ કૃણાલ ડાભીએ પત્રકાર તરીકેની ઓળખ આપી હતી અને પોતાના સામે વાહનમાં કાળા કાચ અંગે કાર્યવાહી થતા પડધરી પોલીસ લાઇનમાં પડેલ પોલીસ સ્ટાફના કાળા કાચવાળા વાહનોના વિડીયો ઉતાર્યાની કેફીયત આપી હતી.
(1:00 PM IST)










