News of Friday, 23rd October 2026
મિત્રને જમવાનું પાર્સલ દેવા જતી વખતે બાઇક સ્લીપ થઇ જતાં ઉદયબાગનું મોત
મુળ યુપીનો યુવાન લોધીકાના છાપરામાં રહી ફેક્ટરીમાં કામ કરતો હતોઃ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૩: લોધીકાના છાપરા નજીક વાહન અકસ્માત સર્જાતા મુળ યુપીના યુવાનનું મોત થયું છે. આ યુવાન મિત્રને જમવાનું પાર્સલ આપવા જઇ રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો. તેને સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ છાપરા ગામે રહેતો ઉદયબાગ રામપ્રવેશ કુશવાહા (ઉ.વ.૨૫) ૨૧/૧૦ના બપોરે એકાદ વાગ્યે બાઇક હંકારીને જતો હતો ત્યોરે છાપરા ગામ નજીક બાઇક સ્લીપ થઇ જતાં માથા, શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહિ ગત સાંજે તેનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર ઉદયબાગ મુળ યુપીનો વતની હતો. છાપરા રહી કંપનીમાં કામ કરતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા અપરિણીત હતો. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છે.
(11:07 AM IST)










