તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 2nd July 2026
રાજકોટમાં અષાઢી માહોલઃ બપોરે ધોધમાર એન્ટ્રી બાદ વરસાદ ધીમો પડયોઃ મોડી સાંજે પણ હેલીની સંભાવના
ગઈકાલે સાંજે પણ મેઘરાજાએ હાજરી પુરાવી હતીઃ અવારનવાર વરસતા ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટ, તા. રઃ રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી અષાઢી મેઘાવી માહોલ બરાબરનો જામ્યો છે. આજે સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું, ત્યારબાદ સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ એકાએક જોરદાર વરસાદી રેડો વરસી ગયો હતો. સવારના ઝાપટાં બાદ થોડો સમય વિરામ રહ્યા પછી, બપોરે બે વાગ્યાથી મેઘરાજાએ ફરી સેકન્ડ ઇનિંગ શરૂ કરી હતી.
બપોરે શરૂઆતમાં વરસાદનું જોર ખૂબ સારું રહ્યું હતું અને જોતજોતામાં માર્ગો ભીનાચણ થઈ ગયા હતા. જોકે, શરૂઆતી તોફાની ઇનિંગ બાદ સમય જતાં વરસાદનું જોર થોડું ધીમું પડયું હતું અને હાલ ધીમી ધારે વરસાદ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગઈકાલે સાંજે ૪ વાગ્યાની આસપાસ પણ મેઘરાજાનું સારું એવું જોર જોવા મળ્યું હતું અને થોડીવાર માટે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.
હવામાનના વર્તમાન મિજાજને જોતાં એવું લાગી રહ્યું છે કે આજે મોડી સાંજ સુધી પણ આવો જ મેઘાવી માહોલ જળવાઈ રહેશે અને રાત સુધીમાં ફરી વરસાદનું સારું આક્રમણ જોવા મળી શકે છે. સતત વરસી રહેલા આ વરસાદી ઝાપટાંને કારણે રાજકોટવાસીઓને અસહ્ય ઉકળાટમાંથી મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.
(3:01 PM IST)










