<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

રૈયા રોડ પર કનૈયા ચોકનું બોર્ડ હટાવતાં હોબાળોઃ સ્‍થાનિકો અને મનપાના અધિકારીઓ વચ્‍ચે ઘર્ષણ

‘નડતરરૂપ' હોવાનું કહી ટીપી અને દબાણ હટાવ શાખાએ બોર્ડ દૂર કર્યું: ધાર્મિક લાગણી દુભાવ્‍યાનો આક્ષેપ, લોકો બોર્ડ ફરી મૂળ સ્‍થળે લગાવી ગયા

રાજકોટ ,તા.૧૦: મ્‍યુનિ.કોર્પોરેશનની ટીપી શાખા અને દબાણ હટાવ શાખાએ શહેરના રૈયા રોડ પર ચાલી રહેલી દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કનૈયા ચોકનું નામકરણ બોર્ડ હટાવતાં સ્‍થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્‍યો હતો. ઘટનાસ્‍થળે મોટી સંખ્‍યામાં લોકો એકત્ર થતાં મનપા કર્મચારીઓ અને સ્‍થાનિકો વચ્‍ચે ઉગ્ર બોલાચાલી તથા ઘર્ષણ સર્જાયું હતું.

મળતી માહિતી મુજબ, કોર્પોરેશનની વેસ્‍ટ ઝોન કચેરીની ટીપી શાખા અને દબાણ હટાવ શાખાએ પોલીસ બંદોબસ્‍ત સાથે રોડ પર નડતરરૂપ બોર્ડ-બેનરો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન કનૈયા ચોક પાસે વર્ષોથી લાગેલું નામકરણ બોર્ડ પણ હટાવી લેવામાં આવ્‍યું હતું. સ્‍થાનિકોએ આ બોર્ડ ધાર્મિક આસ્‍થાનું પ્રતીક હોવાનું જણાવી તેને દૂર કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

સ્‍થાનિક આગેવાન રાજુભાઈ ડાંગરે મનપા પર બેવડી નીતિ અપનાવવાનો આક્ષેપ કરતાં જણાવ્‍યું હતું કે, કોર્પોરેશન દ્વારા જ લગભગ ૨૫ વર્ષ પહેલાં કનૈયા ચોકનું નામકરણ કરવામાં આવ્‍યું હતું અને વર્ષોથી રોડની બાજુમાં રહેલું આ બોર્ડ કયારેય નડતરરૂપ ગણાયું નહોતું. હવે અચાનક તેને દૂર કરાતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.

વિવાદ વધતાં સ્‍થાનિકોએ મનપાના વાહનમાંથી બોર્ડ ઉતારી ફરી મૂળ સ્‍થળે સ્‍થાપિત કરી દીધું હોવાનું જાણવા મળ્‍યું છે. ઘટનાને પગલે વિસ્‍તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કોર્પોરેશન તરફથી આ મામલે કોઈ સત્તાવાર સ્‍પષ્ટતા જાહેર કરવામાં આવી નથી.ખ (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)(૨.૧૯)

(2:43 PM IST)