News of Tuesday, 17th November 2026
માધાપર ચોકડીએ રિક્ષામાં અડધા લાખનો દેશી દારૂ ભરી નીકળેલો વિજય પકડાયો
ગાંધીગ્રામ પોલીસે દબોચ્યોઃ વિદેશી દારૂ સાથે સુશીલા, દિક્ષીત, આયુષ પકડાયાઃ દેશી દારૂ સાથે મહિલા સહિત ૬ ઝપટે ચડયા

રાજકોટ તા. ૧૭: શહેર પોલીસે અલગ અલગ સ્થળે દરોડા પાડી દેશી, વિદેશી દારૂ સાથે મહિલા સહિતને પકડી લીધા હતાં. જેમાં માધાપર ચોકડીએથી એક શખ્સ રિક્ષામાં અડધા લાખનો દેશી દારૂ રાખીને નીકળતાં પકડાયો હતો. પુનિતનગર પાસેથી એક મહિલા વ્હીસ્કીના ચપલા સાથે અને કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સામેના રોડ પરથી બે યુવાન સ્કોચ-વ્હીસ્કીની બે બોટલ સાથે પકડાયા હતાં. આ ઉપરાંત દેશી દારૂ સાથે છને પકડી લેવાયા હતાં.
જાણવા મળ્યા મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટી પાછળ રહેતો વિજય ભીખુભાઇ સોલંકી (ઉ.વ.૩૨) જીજે૦૩સીવી-૫૮૭૨ નંબરની રિક્ષામાં રૂા. ૫૦ હજારનો ૨૫૦ લિટર દારૂ ભરીને માધાપર ચોકડી મેઇન રોડ પરથી નીકળતાં ગાંધીગ્રામના હેડકોન્સ. ભગીરથસિંહ જાડેજા, કોન્સ. સતીષભાઇ લાવડીયા સહિતે પકડી લીધો હતો. પોલીસે દારૂ અને ૧ લાખની રિક્ષા પણ કબ્જે કર્યા હતાં. પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્સ. ભગીરથસિંહ જાડેજા, મહિલપાલસિંહ જાડેજા, કોન્સ. વિપુલભાઇ ગઢવી, સતિષભાઇ લાવડીયા, જયદેવસિંહ પરમાર, પ્રશાંતભાઇ ગજેરા, કોૈશીકભાઇ ડાંગર, હોમગાર્ડ હરદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
જ્યારે વાવડી મેઇન રોડ પર ઝૂપડામાં રહેતાં મુળ મધ્યપ્રદેશ જાંબુવાની સુશીલાબેન માનસીંગ શીંગાડ (ઉ.વ.૪૩)ને માલવીયાનગર પોલીસે પુનિતનગરના પાણીના ટાંકા પાસેથી વિદેશી દારૂના રૂા. ૧૦૪૪ના ૧૮૦ એમએલના ૬ ચપલા સાથે માલવીયાવનગરના હેડકોન્સ. આનંદભાઇ મકવાણા, ચંદ્રરાજસિંહ રાણાએ પકડી લીધી હતી.
તેમજ કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સામે પ્લેટીનિયમ આર્કેડવાળી શેરીમાંથી દિક્ષીત સુરેશભાઇ ગોવામી (ઉ.વ.૨૬-રહે. ઘંટેશ્વર સનરાઇઝ પ્રાઇમ સી-૪૦૨) અને આયુષ દિપેશભાઇ સિંધવ (ઉ.વ.૨૨-રહે. સંત કબીર રોડ કબીરવન-૪)ને રૂા. ૩૦૦૦ અને રૂા. ૧૮૦૦ની સ્કોચ વ્હીસ્કીની બે બોટલો સાથે એલસીબી ઝોન-૨ના સત્યજીતસિંહ જાડેજા સહિતની ટીમે પકડી લીધા હતાં. આ બંને શખ્સ પ્રાઇવેટ નોકરી કરે છે.
ઉપરાંત દેશી દારૂના દરોડામાં ચુનારાવાડ-૯નો સંદિપ દિલીપભાઇ કુબાવત મોરબી રોડ વેલનાથપરા-૧૮માંથી રૂા. ૮૦૦નો દેશી દારૂ લઇને નીકળતાં બી-ડિવીઝનના જગમાલભાઇ જાદવે પકડી લીધો હતો. જ્યારે સોખડા ચોકડી પાસે ઝૂપડામાં રહેતી લક્ષ્મીબેન દિલીપ વાજેલીયાને રૂા. ૧૦૦૦ના દારૂ સાથે કુવાડવાના હેડકોન્સ. એમ. કે. રબારીએ પકડી હતી. ખોખડદળ નદી કાંઠેથી રામનગર-૧ના સોમ દીપકભાઇ સોલંકીને રૂા. ૧૦૦૦ના દારૂ સાથે થોરાળાના કોન્સ. શૈલેષભાઇ નેચડાએ પકડયો હતો. ચુનારાવાડ ચોક મયુરનગર પાસેથી વનીતાબેન વલ્લભભાઇ ચોૈહાણને રૂા. ૧૦૦૦ના દારૂ સાથે એએસઆઇ ભાવેશભાઇ વસવેલીયાએ પકડી હતી.
ઢેબર કોલોની પાસે મફતીયાપરા શેરી નં. ૧૦માંથી સ્ટર્લિગ હોસ્પિટલ પાછળ રીધમ એપાર્ટમેન્ટમાં રહેતાં દર્શન જગદીશભાઇ પીઠવા (ઉ.વ.૨૭)ને રૂા. ૬૦૦ના દેશી દારૂ સાથે ભક્તિનગરના લલુડી વોંકળી શાળા નં. ૬૨ સામેથી આ વિસ્તારના સંતોષ હમીરભાઇ ગોરાસવાને રૂા. ૧૦૦૦ના દેશી દારૂ સાથે કોન્સ. નિલેષભાઇ મિયાત્રા, કેતનભાઇ બોરીચાએ પકડયા હતાં.
(10:07 PM IST)










