News of Wednesday, 22nd July 2026
નીટ પરીક્ષામાં ગેરરિતી અને દિલ્હીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનના રાજકોટમાં પણ પડઘા પડયાઃ વિદ્યાર્થીઓ કલેકટર પાસે દોડી આવ્યા
બે ડઝન વિદ્યાર્થીઓના દેખાવોઃ વિરોધ દર્શાવવોએ બંધારણીય અધિકાર છે : ધરણા માટે પોલીસ તંત્ર પાસે ૪ દિ'થી મંજુરી માંગવા છતા કોઇ પ્રતિસાદ નહી મળતા ભારે દેકારો

રાજકોટ, તા. રરઃ નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં દેશભરમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનના પડઘા હવે રાજકોટમાં પણ પડયા છે.
રાજકોટના સ્થાનિક વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનો દ્વારા આ મુદ્દે શાંતિપૂર્ણ ધરણાં કાર્યક્રમ યોજવા માટે છેલ્લા ચાર દિવસથી પોલીસ કમિશનરને રજૂઆત કરવા છતાં કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તમામ વિધાર્થીઓ નિવાસી અધિક કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. વિગતો મુજબ, નીટ પરીક્ષાના અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે રાજકોટના વિદ્યાર્થીઓ છેલ્લા ચાર દિવસથી રાજકોટ પોલીસ કમિશનર પાસે ધરણાં પ્રદર્શન યોજવાની મંજૂરી માગી રહ્યા હતા. વારંવાર રજૂઆતો કરવા છતાં મ્યુનિસિપલ કમિશનર અથવા અન્ય તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની માંગણી પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું અને મંજૂરી અંગે કોઈ પણ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો ન હતો. તંત્રના આ વલણથી નારાજ થયેલા વિદ્યાર્થીઓ આજે મોટી સંખ્યામાં એકઠા થઈને રાજકોટ એડિશનલ કલેક્ટર (નિવાસી અધીક કલેક્ટર)ની કચેરી ખાતે દોડી ગયા હતા.કલેક્ટર કચેરી પહોંચેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળે એડિશનલ કલેક્ટરને રૂબરૂ મળીને મૌખિક રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાની ભડાશ ઠાલવતા જણાવ્યું હતું કે, દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે નીટ પરીક્ષામાં રમત રમાઈ છે, જેની સામે વિરોધ દર્શાવવો એ તેમનો બંધારણીય હક્ક છે. ચાર-ચાર દિવસથી કમિશનર કચેરીના ધક્કા ખાવા છતાં મંજૂરી ન આપીને તંત્ર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓએ એડિશનલ કલેક્ટર પાસે માંગ કરી છે કે તેમને વહેલી તકે શાંતિપૂર્ણ રીતે ધરણાં યોજવાની મંજૂરી આપવામાં આવે.
(2:36 PM IST)










