News of Tuesday, 2nd June 2026
બાળાની છેડતીનો આરોપ મુકાયા બાદ રાજકોટના વિશાલ વાળાનો સુત્રાપાડાના ટીંબડીમાં આપઘાત
માતા, પત્નિ સાથે ગત ૨૩મીએ વતન ટીંબડી ગયો હતોઃ વાડીએ પગલુ ભર્યુઃ રાજકોટ સારવારમાં મૃત્યુઃ પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતોઃ આપઘાત કરનાર યુવાન વિધવા માતાનો એકનો એક આધાર હતોઃ માતાએ નિવેદનમાં કહ્યું-ખોટુ આળ મુકાતાં લાગી આવ્યું

રાજકોટ તા. ૨: શહેરના મવડી રોડ ઓમનગર પાસે સરદારનગરમાં રહેતાં વિશાલ રામભાઇ વાળા (ઉ.વ.૨૮) નામના યુવાન પર તેના મુળ વતન સુત્રાપાડાના ટીંબડી ગામે તેર વર્ષની બાળાની છેડતીના આરોપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવતાં આ કારણે માઠુ લાગી જતાં ટીંબડી ગામે પોતાની વાડીમાં ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ યુવાન પરિણીત હતો અને વિધવા માતાનો આધારસ્તંભ હતો.
જાણવા મળ્યા મુજબ ઓમનગર સર્કલ સરદારનગર-૮માં રેહતાં વિશાલ વાળાએ ગત ૨૫/૫ના રોજ ટીંબડી ગામે પોતાની વાડીએ ઝેરી દવા પી લેતાં કોડીનાર ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિનર્જીમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહિ આજે વહેલી સવારે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુત્રાપાડા પોલીસને જાણ કરી હતી.
ગઇકાલે વિશાલને સિવિલમાં દાખલ કરાયો ત્યારે સુત્રાપાડા પોલીસ મથકના પી.આચર. ચોૈહાણે વિશાલના માતા રાજુબેન રામભાઇ વાળા (ઉ.વ.૫૫)નું નિવેદન નોંધ્યું હતું. રાજુબેને જણાવ્યું હતું કે મારે સંતાનમાં એક દિકરો વિશાલ છે, તેના પત્નિનું નામ સંતોષબેન છે. હું, વિશાલ અને સંતોક રાજકોટમાં રહીએ છીએ. વિશાલ ટ્રેકટરની કંપનીમાં નોકરી કરતો હતો. ગત ૨૩/૫ના રોજ હું, વિશાલ અને તેની પત્નિ સંતોષબેન એમ ત્રણેય અમારા વતન સુત્રાપાડાના ટીંબડી ગામે ગયા હતાં. જ્યાં પહોંચ્યા બાદ સાંજે વિશાલે કહેલું કે હું સગાના ઘરે જાઉ છું અને રાત ત્યાં રોકાઇશ. બાદમાં બીજા દિવસે ૨૪મીએ વિશાલ તેના કાકા સાથે જમીન સહિતને લગતા કામ માટે ગયો હતો. સાંજે આઠેક વાગ્યે તે ઘરે પરત આવી સુઇ ગયો હતો. ૨૫મીની સવારે પાંચેક વાગ્યે અમાર સગાના દિકરાનો મને ફોન આવેલો કે વિશાલ ક્યાં છે? જેથી મેં તેને ઘરે સુતો છે તેમ કહ્યું હતું. બાદ સાડા પાંચેક વાગ્યે સગાનો દિકરો સહિતના લોકો ટીંબડી મારા ઘરે આવ્યા હતાં અને વિશાલનું કામ છે કહી તેને ઉઠાડીને લઇ ગયા હતાં. એ પછી સવારે દસેક વાગ્યે અમારી વાડીના ભાગીયા જયેશભાઇએ મને ફોન કરી કહેલું કે વાડીએ વિશાલે દવા પી લીધી છે. જેથી હું, મારા ભત્રીજા સહિતનાએ તાકીદે વાડીએ પહોંચી વિશાલને કોડીનાર હોસ્પિટલે અને ત્યાંથી રાજકોટ સિનર્જીમાં દાખલ કર્યો હતો. અહિ પોલીસે મારા દિકરાનું નિવેદન લીધું ત્યારે પુત્રવધુ સંતોષબેન હાજર હતાં.
મારા દિકરાને ૩૦મીએ સિનર્જીમાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં બેભાન હાલતમાં ખસેડયો હતો. અહિ મારા પુત્રવધુને પુછતાં તેણીએ કહેલું કે-વિશાલ વિરૂધ્ધ તેર વર્ષની બાળાની છેડતીનો ખોટો આરોપ મુકી દેવાયો હોઇ જેના કારણે તેને લાગી આવતાં તેણે પોતાની મેળે ઝેરી દવા પી લીધી છે. તેમ વધુમાં વિશાલના માતા રાજુબેને જણાવ્યું હતું. સુત્રાપાડા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે વિશાલનું મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. સુત્રાપાડા પોલીસના કહેવા મુજબ વિશાલ વિરૂધ્ધ આ મામલે ગુ.ર.નં. ૪૫૬/૨૬ પોક્સો હેઠળ ગુનો દાખલ થયો હતો. જેની તપાસ ચાલી રહી હતી.
(10:55 AM IST)










