News of Tuesday, 14th July 2026
ઉમિયા ચોકમાં કારની ઠોકરે ચડતાં ઘવાયેલા વિઠ્ઠલભાઇ રૈયાણીનું મૃત્યુ
ઓમ શાંતિ કેન્દ્રમાં સેવા આપી ઘરે જતા હતાં ત્યારે બનાવ બન્યો હતોઃ ચાર મહિનાની સારવાર કારગત ન નીવડીઃ માધવ પાર્કના પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૪: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોકમાં બાઇક સહિત કારની ઠોકરે ચડી જતાં ગોવર્ધન ચોકમાં રહેતાં ૭૨ વર્ષિય વૃધ્ધનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે. બ્રહ્માકુમારીના ઓમ શાંતિ કેન્દ્ર ખાતે સેવા આપીને તેઓ ઘરે જઇ રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ દોઢસો ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોકમાં માધવ પાર્ક ખાતે રહેતાં વિઠ્ઠલભાઇ નાનજીભાઇ રૈયાણી (ઉ.વ.૭૨) નામના વૃધ્ધ તા. ૩/૩ના રોજ સાંજે સાડા પાંચેક વાગ્યે બાઇક હંકારી ઉમીયા ચોકમાંથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે ક્રેટા કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં આજે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
બનાવની જાણ ખાનગી હોસ્પિટલ મારફત થતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. વિઠ્ઠલભાઇ બે ભાઇ અને એક બહેનમાં બીજા હતાં અને વેપાર કરતાં હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે બનાવને દિવસે બ્રહ્માકુમારી ઓમ શાંતિ કેન્દ્ર ખાતે સેવા આપીને પરત ઘરે ફરતાં હતાં ત્યારે અકસ્માત નડયો હતો. મોભીના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(3:28 PM IST)










