<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

જિલ્લા પંચાયતમાં સમિતિઓ રચવા પાર્ટીની લીલીઝંડીની રાહ : પદાધિકારીઓએ ચોમાસા સંદર્ભે બેઠક બોલાવી

પંચાયત કચેરીમાં હજુ સ્‍વાગત-સન્‍માન માટે ભીડ : સામાન્‍ય સભા ૧૦મી આસપાસ

રાજકોટ, તા. ૧ : જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખે કાર્યભાર સંભાળી પ્રજાલક્ષી કામગીરી શરૂ કરી છે. પંચાયતની વિવિધ સમિતિઓની રચના માટે સામાન્‍ય સભા બોલાવવા અને સમિતિઓનો અધ્‍યક્ષોના  નામ નકકી કરવા જિલ્લા ભાજપની મંજુરી માંગવામાં આવી છે. પાર્ટી પ્રદેશનું માર્ગદર્શન લઇને લીલીઝંડી આપે પછી સામાન્‍ય સભા માટે એજન્‍ડા પ્રસિધ્‍ધ કરવામાં આવશે. ખાસ સામાન્‍ય સભા બોલાવવા માટે ઓછામાં ઓછા ચોખ્‍ખા ૭ દિવસનો સમયગાળો રાખવો જરૂરી છે. આવતીકાલ એજન્‍ડા પ્રસિધ્‍ધ થાય તો વહેલામાં વહેલા ૧૦ તારીખે સામાન્‍ય સભા બોલાવી શકાય. સામાન્‍ય રીતે સોમ અથવા ગુરૂવારે બેઠક બોલાવાતી હોય છે. તે જેના તા. ૧૧ ગુરૂવારે અથવા તેમની નજીકના દિવસોમાં સામાન્‍ય સભા મળે તેવા સંજોગો છે. એક-બે દિવસમાં સામાન્‍ય સભાની તારીખ નકકી થઇ જશે. પ્રમુખ સંજય પીપળિયા અને ઉપપ્રમુખ સામતભાઇ બાંભવાએ આજે સવારે કચેરીમાં હાજરી આપેલ. હજુ નવા પદાધિકારીઓના સ્‍વાગત-સન્‍માનનો દોર ચાલી રહ્યો છે. નવા પદાધિકારીઓએ ચોમાસા સંદર્ભે આજે માર્ગ-મકાન, સિંચાઇ અને આરોગ્‍ય શાખાના અધિકારીઓની બેઠક બોલાવી છે. જેમાં જરૂરી સૂચના અપાશે. 

(2:57 PM IST)