News of Thursday, 16th July 2026
રાજકોટમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું ઉષ્માભેર સ્વાગત : અષાઢી બીજના પવિત્ર અવસરે પ્રભુની નગરચર્યામાં ઉમટ્યો ભક્ત સમુદાય
શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, ઉપપ્રમુખ કૌશિકભાઇ ચાવડા, મંત્રી કિશન પટેલ તેમજ કોર્પોરેટર ઘનશ્યામભાઈ હેરભા અને અશ્વિનભાઈ બાંભણિયા સહિતની ભાજપ ટીમ દ્વારા રથયાત્રાનું ભક્તિભાવપૂર્વક કરાયું ભવ્ય સ્વાગત : નાગરિકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભક્તોએ કરી પ્રાર્થના

રાજકોટ: સમગ્ર દેશ અને રાજ્યની સાથે રાજકોટ શહેરમાં પણ આસ્થા, સંસ્કૃતિ અને ભક્તિના પાવન પર્વ અષાઢી બીજના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું પરંપરાગત આયોજન કરવામાં આવ્યું હતું. નગરચર્યાએ નીકળેલા જગતના નાથના સ્વાગત માટે સમગ્ર શહેરમાં અદ્ભુત અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો, જેમાં હજારો ભક્તોએ દર્શનનો દિવ્ય લહાવો લઈને ધન્યતા અનુભવી હતી.
રાજકોટ શહેરમાં ભ્રમણ કરી રહેલી આ પવિત્ર રથયાત્રાનું રાજકોટ શહેર ભાજપ ટીમ દ્વારા ઉષ્માભેર અને ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, ઉપપ્રમુખ કૌશિકભાઇ ચાવડા, મંત્રી કિશન પટેલ તેમજ કોર્પોરેટર ઘનશ્યામભાઈ હેરભા અને અશ્વિનભાઈ બાંભણિયા સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ એકત્રિત થઈને ભગવાન જગન્નાથજીના રથનું પૂજન-અર્ચન કર્યું હતું.
નગરચર્યા દરમિયાન રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ ઉમટી પડ્યા હતા. "જય રણછોડ, માખણચોર" અને "જય જગન્નાથ" ના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભાજપના પદાધિકારીઓએ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને સમગ્ર રાજકોટ શહેર અને સૌ નાગરિકો પર પ્રભુના આશીર્વાદ વરસતા રહે તેવી મંગલ કામના કરી હતી.
આ દિવ્ય મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને અષાઢી બીજ અને રથયાત્રાની શુભકામનાઓ પાઠવતા પ્રાર્થના કરી હતી કે ભગવાન જગન્નાથ સર્વે નાગરિકોનું જીવન સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને અખંડ સમૃદ્ધિથી ભરેલું રાખે અને શહેર સુખાકારીના માર્ગે સતત આગળ વધતું રહે.
(3:22 PM IST)










