<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

અમે વિહીપવાળા છીએ, તારી નોકરી ખાઈ જઈશું... કહી ડખ્ખો: સીટબેલ્ટ ન પહેરવા પર મેમો માંગતા રાજકોટમાં ટ્રાફિક પોલીસ પર હુમલો

​ સ્કોર્પિયો કાર ચાલકે સીટબેલ્ટ ન પહેર્યો હોવા છતાં દંડ આપવાનો ઇનકાર કરી ટીઆરબી જવાનોને માર માર્યો: રાજકોટ-ગોંડલ હાઈવે પર ઢોલરાના પાટીયા પાસે સર્જાયેલી હુમલા અને ધમાલની ઘટના અંગે ગુનો દાખલ

​રાજકોટ: શહેરના ગોંડલ રોડ પર આવેલા ઢોલરાના પાટીયા પાસે ટ્રાફિક નિયમન અને વાહન ચેકિંગની ફરજ બજાવી રહેલી પોલીસ ટીમ પર એક સ્કોર્પિયો કારમાં સવાર શખ્સોએ ઉશ્કેરાઈને હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાહન ચેકિંગ દરમિયાન સીટબેલ્ટ ન પહેરવા અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવા બાબતે દંડ વસૂલવાની વાત કરતા કાર ચાલક અને તેના સાથીદારોએ પોલીસ સાથે બોલાચાલી કરી સરકારી ફરજમાં રૂવાટ કરી હતી તેમજ TRB જવાનો સાથે મારામારી કરી ગાલના ભાગે મુઢમાર ઈજા પહોંચાડી હતી.

શહેર ટ્રાફિક શાખામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુન્નાભાઈ પાલાભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અન્ય પોલીસ કર્મચારીઓ અને ટી.આર.બી. જવાનો સાથે રાજકોટ-ગોંડલ હાઈવે રોડ પર ઢોલરાના પાટીયા પાસે ટ્રાફિક પોઈન્ટ પર ફરજ પર હતા. આ દરમિયાન સવા દસ વાગ્યાના અરસામાં રાજકોટ તરફથી એક સફેદ રંગની સ્કોર્પિયો કાર (નંબર RJ10UA 5940) પસાર થઈ હતી. કારમાં કેપેસિટી કરતાં વધુ મુસાફરો બેઠેલા જણાતા અને ચાલકે સીટબેલ્ટ ન પહેરેલો હોવાથી પોલીસે વાહનને સાઈડમાં ઊભી રાખી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસે ચાલકને દંડ ભરવાનું જણાવતા કાર ચાલક ઉમેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. આ દરમિયાન કારમાં બેઠેલા 'છોટુ' નામના શખ્સે સ્કોર્પિયો કાર રોડની વચ્ચે જ ઊભી રાખી દેતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કારમાં રહેલી મહિલાઓ પાર્વતીબેન, ખુશીબેન અને શ્વેતલબેન પણ ગાડીમાંથી બહાર આવીને પોલીસ સાથે બોલાચાલી કરવા લાગી હતી.

​ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ પોલીસને ધમકી આપતા કહ્યું હતું કે, "તું હજુ અમને ઓળખતો નથી, અમે વિશ્વ હિન્દુ પરિષદના મોટા માથા છીએ અને તારી નોકરી ખાઈ જશું." આ ઉપરાંત, ચાલકે ફરજ પરના પોલીસ કર્મચારીને જાતિસૂચક અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા. જ્યારે ટ્રાફિક કંટ્રોલરૂૂમમાં જાણ કરી 112 ની વ્હીકલ ટીમ ત્યાં પહોંચી અને ટ્રાફિક ક્લિયર કરાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપીઓએ વધુ ઉશ્કેરાઈને પોલીસકર્મીઓ અને ટી.આર.બી. જવાનો સાથે ધક્કામુક્કી અને મારામારી શરૂ કરી દીધી હતી. વચ્ચે બચાવવા પડેલા ટી.આર.બી. જવાન રફીકભાઈ, હસનભાઈ સૈયદ અને દીપકભાઈને ફડાકા મારી મુઢમાર ઈજા પહોંચાડી હતી તેમજ પોલીસના યુનિફોર્મ પણ ફાડી નાખ્યા હતા. આ સમગ્ર ગંભીર બનાવ અંગે પોલીસે કાયદેસરની ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(2:18 PM IST)