<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

સામુ જોયું એમાં સામ-સામે ગાળાગાળી થઇ, ગુસ્‍સે થઇ ગનીએ છરીના ઘા ઝીંકી મનિષ પરમારને રહેંસી નાંખ્‍યો

ગાંધીગ્રામ એસકે ચોકમાં હત્‍યાઃ આરોપી ગની અને રીયાઝને રાતોરાત એલસીબી ઝોન-૨એ દબોચી લીધા : ડ્રાઇવીંગ કરવા સાથે ટીફીન સર્વિસનું કામ કરતો મનિષ જમીને પાન ફાકી ખાવા ગયો અને લોથ ઢળીઃ જામનગર તરફ ભાગી રહેલા આરોપીઓને દબોચી ગાંધીગ્રામ પોલીસને સોંપાયાઃ ગની તાજેતરમાં સાયબર ફ્રોડના ગુનામાં જેલમાંથી છુટયો છેઃ હત્‍યાનો ભોગ બનનાર મનિષ બે ભાઇમાં મોટો હતો : મનિષ મઢુલી પાને હતો, નાનો ભાઇ કિશન તેનાથી થોડે દૂર હતોઃ મનિષે નાના ભાઇ કિશનને ફોન કરી કહ્યું-મોમેડીયનના છોકરાઓએ માથાકુટ કરી છે, મારી સામે છરી કાઢી છે તું જલ્‍દી આવઃ કિશન પહોંચ્‍યો ત્‍યાં ઘા ઝીંકી દેવાયા હતાં: મનિષે લોહીલુહાણ હાલતમાં કહ્યું-સામુ જોવા પ્રશ્ને ગની અને રીયાઝે ગાળો દેતાં, મેં પણ સામે દીધી એમાં છરીના ઘા ઝીંકી દીધાઃ કિશને સારવાર માટે ખસેડયો પરંતુ હોસ્‍પિટલે મૃતદેહ જ પહોંચ્‍યો

સામુ જોઇ ગાળ બોલવાની વાતે લોથ ઢળી ગઇ: ગાંધીગ્રામના એસકે ચોકમાં મઢુલી પાન પાસે સામુ જોવા અને બાદમાં સામ-સામે ગાળો બોલવા જેવી વાતે રજપૂત પરિવારના મનિષભાઇ નરેન્‍દ્રભાઇ પરમાર (ઉ.વ.૩૨)ને ગાંધીગ્રામમાં જ રહેતાં ગની અને રીયાઝ નામના શખ્‍સોએ છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. તસ્‍વીરમાં મનિષભાઇનો નિષ્‍પ્રાણ દેહ, ફાઇલ ફોટો, ઘટના સ્‍થળે એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, લોહીનું ખાબોચીયું, નીચેની તસ્‍વીરમાં હત્‍યાનો ભોગ બનનારના ભાઇ કિશનભાઇ, પિતા નરેન્‍દ્રભાઇ પરમાર પાસેથી વિગતો મેળવી ફરિયાદ દાખલ કરી રહેલા પીએસઆઇ એસ. વી. ગોહિલ, હંસરાજભાઇ ઝાપડીયા સહિત જોઇ શકાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

રાજકોટ તા. ૨૧: શહેરમાં નાની એવી વાતે હત્‍યા થઇ જવાની વધુ એક ઘટના ગાંધીગ્રામ એસકે ચોક મઢુલી પાન પાસે બની હતી. ડ્રાઇવીંગ અને ટીફીન સર્વિસનું કામ કરતો ૩૨ વર્ષનો મનિષ મઢુલી પાન પાસે ઉભો હતો ત્‍યારે ગાંધીગ્રામમાં જ રહેતાં ગની નામના શખ્‍સે સામુ જોવા મામલે ગાળો દેતાં મનિષે પણ સામે ગાળ દેતાં ગની અને સાથેના રીયાઝે ઝઘડો કર્યા બાદ ગનીએ છરીના ઘા ઝીંકી દીધા હતાં, જે જીવલેણ નીવડયા હતા. હત્‍યા કરી ભાગેલા બંનેને એલસીબી ઝોન-૨ ટીમે દબોચી ગાંધીગ્રામ પોલીસને સોંપ્‍યા હતાં. ગની અગાઉ સાયબર ફ્રોડમાં જેલમાં હતો અને તાજેતરમાં છુટયો હતો.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ શેરી નં. ૧૦/૧૨ના ખુણે બંધ શેરીમાં મોમાઇ કૃપા ખાતે રહેતાં હત્‍યાનો ભોગ બનેલા મનિષભાઇ નરેન્‍દ્રભાઇ પરમાર (ઉ.વ.૩૨) નામના રજપૂત યુવાનના નાના ભાઇ કિશનભાઇ નરેન્‍દ્રભાઇ પરમાર (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ ગાયત્રી ડેરી પાસે રહેતાં ગની ડાંગશીયા અને હનુમાન મઢી પાસે રહેતાં મુળ ધ્રોલના રીયાઝ શેખ વિરૂધ્‍ધ હત્‍યાનો ગુનો નોંધ્‍યો છે. હત્‍યા કરી બંને જામનગર ધ્રોલ તરફ ટુવ્‍હીલર તરફ ભાગી રહ્યાની બાતમી પરથી એલસીબી ઝોન-૨ ટીમે દબોચી લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપ્‍યા હતાં. આરોપી ગનીએ એવુ રટણ કર્યુ હતું કે પોતે પાનની દુકાન પાસે ગયો ત્‍યારે મનિષે સામુ જોતાં તે બાબતે પુછતાં ગાળાગાળી થઇ હતી. જેથી પોતાને ગુસ્‍સો ચડતાં છરીના ઘા મારી દીધા હતાં.

કિશનભાઇ પરમારે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવુ છું. આ ઉપરાંત અમે ઘરે બેઠા ટીફીન સર્વિસ ચલાવીએ છીએ. મારી સાથે મારા પિતા નરેન્‍દ્રભાઇ મોહનભાઇ પરમાર, માતા રંજનબેન, મોટાભાઇ મનિષભાઇ, ભાભી કાજલબેન, ભાઇના ત્રણ બાળકો રહે છે. મારો ભોટો ભાઇ મનિષભાઇ છુટકમાં ડ્રાઇવીંગ અને ટીફીન સર્વિસનું કામ કરતો હતો. શુક્રવારે સાંજે આઠેક વાગ્‍યે હું ગાંધીગ્રામ નાણાવટી ચોકથી ગાંધીગ્રામ તરફ જતાં રસ્‍તા પર આવેલી ગોકુળ પાન નામની દુકાન જે બંધ હતી ત્‍યાં બેસીને ફોન પર વાત કરતો હતો.

આ વખતે મારા મોટા ભાઇ મનિષ પોતાનું એકટીવા લઇ નજીકમાં મઢુલી પાન નામની દુકાન પાસે ઉભો હતો. આ વખતે ત્‍યાં યશરાજ રાઠોડ જે ગાંધીગ્રામમાં રહે છે તે તથા બીજા અજાણ્‍યા માણસો પણ હતા. બાદમાં હું મારું એક્‍ટીવા લઇ થોડે દુર ગયો હતો અને બાપા સિતારામના ઓટા પાસે બેસી ફોનમાં વાત કરતો હતો. આ વખતે મારા ભાઇના ફોનમાંથી મને ફોન આવ્‍યો હતો કે-મઢુલી પાન પાસે આવ, મોમેડીયનના છોકરા સાથે લપ થઇ છે, તેણે મારી સામે છરી કાઢી છે. આથી મેં મારા ભાઇને કહેલું કે-ઉભો રહે, તું બાધતો નહિ, હું બે મિનીટમાં પહોંચુ છું.

આ વાત થયા બાદ હું તુરંત એકટીવા લઇ મઢુલી પાન પાસે ગયો હતો. ત્‍યાં સામે આવેલી ખોડીયાર ઇલેક્‍ટ્રીક નામની દૂકાન પાસે મારો ભાઇ મનિષભાઇ લોહીલુહાણ હાલતમાં પડયો હતો. તેને સાથળની ડાબી બાજુએ લોહી નીકળતું હતું. મેં તપાસ કરતાં છરીના ત્રણ ઘા જોવા મળ્‍યા હતાં. આ પછી મેં મારા ભાઇને શું બાબતે ઝઘડો થયો? ત અંગે પુછતાં તેણે કહેલું કે-ગની ડાંગશીયા ગાંધીગ્રામ ગાયત્રી ડેરી પાસે રહે છે, તેની સાથે હનુમાન મઢી પાસે રહેતો રિયાઝ શેખ હતો. આ બંનેએ સામે જોવા બાબતે મારી સાથે ગાળાગાળી કરતાં હોઇ મેં પણ સામે ગાળો દેતાં બંનેએ ઝઘડો કર્યો હતો. બાદ ગનીએ છરી કાઢી મને ઘા મારી દીધા છે, એ બંને ભાગી ગયા છે. તેમ જણાવ્‍યું હતું.

મઢુલી પાનવાળા અક્ષયભાઇએ પણ કહ્યું હતું કે કોઇ બે છોકરા હતાં જેણે મનીષભાઇ સાથે ઝઘડો કરી છરીના ઘા મારી ભાગી ગયા છે. આ વખતે ભેગા થયેલા માણસોમાંથી કોઇએ ફોન કરી ૧૦૮ બોલાવી હતી. હું અને મારા મિત્રો દિવ્‍યેશ, મયુર સહિતના મારા ભાઇને સ્‍ટર્લિંગ હોસ્‍પિટલે લઇ ગયા હતાં. પણ ત્‍યાંથી સિવિલમાં લઇ જવાનું કહેવાતાં અમે સિવિલ હોસ્‍પિટલે લાવ્‍યા હતાં. અહિ ઇમર્જન્‍સી વોર્ડમાં ડોક્‍ટરે મારા ભાઇ મનિષભાઇને મૃત જાહેર કર્યા હતાં. સામુ જોઇ ગાળો બોલવા જેવી વાતે મારા ભાઇ સાથે ગની અને રીયાઝે ઝઘડો કર્યો હતો અને ગનીએ છરીના ઘા મારી દઇ તેની હત્‍યા કરી હતી. તેમ વધુમાં કિશનભાઇએ કહ્યું હતું. ઇન્‍ચાર્જ પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. ગોહિલ,  હંસરાજભાઇ ઝાપડીયા સહિતની ટીમે ગુનો દાખલ કર્યો હતો.

બીજી તરફ ડીસીપી ઝોન-૨ની એલસીબી ઝોન-૨ના એએસઆઇ જે. વી. ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, સત્‍યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કોન્‍સ. કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલ, મૈસુરભાઇ કુંભારવાડીયા સહિતની ટીમે આરોપીઓ જામનગર હાઇવે તરફ ભાગી રહ્યાની બાતમીને આધારે બંનેને દબોચી લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપ્‍યા હતાં. પ્રાથમિક પુછતાછમાં ગનીએ રટણ કર્યુ હતું કે પોતાની સામે મનિષ જોતો હોઇ ગાળાગાળી થઇ હતી, બાદમાં મનિષે સામે ગાળ દેતાં છરી મારી દીધી હતી. આ બનાવમાં અન્‍ય કોઇ કારણ તો નથી ને? તેની તપાસ પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ ગોહિલ, ચેતનસિંહ ગોહિલ અને ડી. સ્‍ટાફ ટીમ કરશે.

ગાળો બોલવા જેવી વાતે યુવાન દિકરાની હત્‍યાથી પરમાર પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. ગાંધીગ્રામ એસકે ચોક વિસ્‍તારમાં પણ અરેરાટી વ્‍યાપી ગઇ હતી. 

મનિષભાઇની હત્‍યાથી ૩ વર્ષનો પુત્ર, ૬ અને ૧૦ વર્ષની બે દિકરીએ પિતાનું છત્ર ગુમાવ્‍યું

* સામુ જોવા અને ગાળો બોલવા મામલે જેની હત્‍યા થઇ ગઇ તે મનિષ પરમાર બે ભાઇમાં મોટો હતો. તેના પત્‍નિનું નામ કાજલબેન છે. સંતાનમાં એક પુત્ર નિલ (ઉ.વ.૩), બે પુત્રી પ્રાન્‍શી (ઉ.વ.૬) અને પ્રાપ્‍તિ (ઉ.વ.૧૦) છે. આ ત્રણેય માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(2:16 PM IST)