News of Wednesday, 15th April 2026
ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલા સંવાદઃ શનિવારે વોર્ડવાઈઝ હનુમાન ચાલીસા પાઠ
નારી શક્તિ વંદન અધિનિયમ નિમિતે વિવિધ કાર્યક્રમોઃ અંજુબેન વેકરીયા

રાજકોટ,તા.૧૫: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપા મહિલા મોરચાના આગામી કાર્યક્રમો અંગે માહિતી આપતા પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતી અંજુબેન વેકરિયાએ જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવાના લક્ષ્ય સાથે ભાજપા મહિલા મોરચા દ્વારા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૫ થી ૧૭ એપ્રિલ દરમિયાન ‘મહિલા સંવાદ‘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બહેનોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વની સરકાર દ્વારા કાર્યરત જનહિતલક્ષી યોજનાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે સંવાદ કરવામાં આવશે. આજે ૧૫થી ૨૩ એપ્રિલ દરમ્યાન રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં મહિલા સંમેલનો યોજાશે. નવા મતદારો સાથે સંપર્ક અને સંવાદ વધારવા માટે વિવિધ યુનિવર્સિટી, કોચિંગ ક્લાસિસ અને એન.જી.ઓ. માં સંપર્ક અભિયાન હાથ ધરાશે.
પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષાશ્રીએ વધુમાં જણાવ્યું કે, ૧૮ એપ્રિલના રોજ રાજ્યભરમાં મંડલ/વોર્ડમાં એકસાથે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવશે, જેમાં ધારાસભ્યો અને સ્થાનિક ભાજપા આગેવાનો ઉપસ્થિત રહેશે. ઉપરાંત સંગઠનની યોજના મુજબ જિલ્લા સ્તરે યુનિવર્સિટીમાં યુવતીઓ સાથે સંવાદ સત્રો યોજાશે. દરેક મંડલમાં ઓટલા બેઠકો, ગામ સ્તરે ગ્રામસભાઓ તેમજ લાભાર્થી મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમો યોજાશે. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા પ્રતિનિધિત્વ આપતા ઐતિહાસિક નારીશક્તિ વંદન અધિનિયમના ઉપલક્ષ્યમાં પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે તેમ શ્રીમતી અંજુબેન વેકરિયાએ જણાવ્યું છે.
(1:54 PM IST)










