News of Wednesday, 3rd June 2026
તને ફરિયાદનો બહુ શોખ છે, આજે મારી જ નાખવો છે કહી સિરાજ પર હુમલો
બહેનની છેડતી કરનાર વિરૂધ્ધ ફરિયાદ કરી હોઇ ખાર રાખી હુમલો : ગોંડલ રોડ પર બનાવઃ અલ્લારખા ઉર્ફે ભુરો, સોહિલ ઉર્ફે ભાણો, ઉવેશ અને અજાણ્યા સામે આજીડેમ પોલીસમાં ગુનો

રાજકોટ તા. ૩: શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં બહેનની છેડતી અંગે અગાઉ કરેલી પોલીસ અરજીનો ખાર રાખીને ચાર શખ્સોએ એક યુવકને રસ્તામાં આંતરી, લોખંડના પાઇપ અને છરી વડે બેરહેમીપુર્વક માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના બની છે.
આ બનાવમાં આજીડમ પોલીસે કોઠારીયા સોલવન્ટ નજીક નુરાનીપરામાં રહેતા અને મજૂરી કામ કરતા સિરાજ અજીમભાઈ સોરા (ઉ.વ. ૨૫)ની ફરિયાદ પરથી અલ્લારખા ઉર્ફે ભુરો સીટી, સોહિલ ખેભર ઉર્ફે ભાણો, ઉવેશ અને એક અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. સિરાજ ગત તા. ૨૯ના રોજ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નીકળી ગોંડલ રોડ પર આવેલ શિવ શક્તિ હોટલ પાસે ગયો હતો. તે વખતે આ વિસ્તારમાં જ રહેતા અલ્લારખા ઉર્ફે ભુરો અને સોહીલ ઉર્ફે ભાણો ત્યાં ધસી આવ્યા હતા અને સિરાજને તને અમારી સામે ફરિયાદ કરવાનો બહુ શોખ છે ને, આજે તારો કાયમી હિસાબ કરી નાખવો છે...તેમ કહી ઝપાઝપી કરી હતી.
સિરાજે શાંતીથી વાત કરવાનું કહેતાં ભુરાએ નેફામાંથી છરી કાઢી હતી અને સાહિલે પાઇપથી હુમલો કર્યો હતો. હોબાળો થતાં સોહીલે નજીકમાંથી અન્ય બે શખ્સો ઉવેશ અને એક અજાણ્યા શખ્સને બોલાવી લીધા હતા. આ પછી ચારેયએ મળીને બેફામ માર માર્યો હતો અને સિરાજના કપડા પણ ફાડી નાંખી ઢીકાપાુટ માર્યા હતાં. લોકો ભેગા થઇ જતાં તેને બચાવ્યો હતો. આ વખતે ચારેયએ આજે તને જીવતો છોડવો નથી, બહાર નીકળીશ એટલે વાડીએ લઇ જઇ મારી નાંખવો છે તેવી ધમકી આપી હતી.
હુમલાનું કારણ એ સામે આવ્યું છે કે, આરોપી ભુરો સીટી અને સોહીલે અગાઉ સિરાજની બહેનની વારંવાર છેડતી કરી હોઇ આ અંગે બે વર્ષ પહેલા પણ સિરાજે ફરિયાદ કરી હતી. આ પછી આજથી એક મહિના પહેલા વધુ એક ફરિયાદ કરી હતી. તેનો ખાર રાખી હુમલો કરી ધમકી અપાઇ હતી. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. સાખરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:43 PM IST)










