<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

તારી કાર પાંચ રૂપિયા છે...કહી દંપતિને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ગાળો ભાંડી

બાખડી રહેલુ દંપતિ-પુત્રી પાર્કિંગમાં કાર સાથે અથડાતાં ઘોબો પડી ગયોઃ કાર માલિક યુવાને ધ્‍યાન રાખવાનું કહેતાં ત્રણેય લાજવાને બદલે ગાજ્‍યા અને મોટી બબાલ કરી : રેલનગરમાં ઝાંસી કી રાની ટાઉનશીપમાં બનાવઃ પ્ર.નગર પોલીસે પ્રકાશ હળવદીયા, તેના પત્‍નિ નુતનબેન અને દિકરી સંજના સામે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધ્‍યોઃ એસીપી આર. એસ. બારીયાએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૯: શહેરના રેલનગર વિસ્‍તારમાં આવેલી ઝાંસી કી રાની ટાઉનશિપમાં રહેતાં પતિ-પત્‍નિ અંદરો અંદર માથાકુટ કરતાં હોઇ તે વખતે આ ટાઉનશીપમાં જ રહેતાં યુવાનની કાર પાર્ક કરેલી હોઇ તેની સાથે અથડાતાં તેમાં ઘોબા પડી જતાં આ યુવાન અને તેમના પત્‍નિએ આ દંપતિ અને તેની પુત્રીને તમે અંદરો અંદર માથાકુટ કરી મારી કારને નુકસાન કર્યુ છે તેમ કહેતાં આ ત્રણેયએ આ દંપતિને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ગાળો દઇ તમારી ગાડી માત્ર પાંચ રૂપિયાની છે તેમ કહી ધમાલ મચાવતાં પોલીસે એટ્રોસીટી હેઠળ કાર્યવાહી કરી છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે સાધુ વાસવાણી કુંજ રોડ પેટ્રોલ પંપ પાછળ ટાઉનશીપમાં બ્‍લોક નંબર એચ-૨૨માં રહેતાં મુળ અમદાવાદના માંડલના રખીયાણા ગામના વતની અને ઇલેક્‍ટ્રીક કામ કરી ગુજરાન ચલાવતાં ગણપતભાઇ જયીંતભાઇ પરમાર (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી તેની જ વિંગમાં રહેતાં પાડોશી પ્રકાશભાઇ ચંદુભાઇ હળવદીયા, તેના પત્‍નિ નુતનબેન પ્રકાશભાઇ અને દિકરી સંજનાબેન પ્રકાશભાઇ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

પોલીસ ફરિયાદ મુજબ ગણપતભાઇ ૨૦૧૪થી આ ટાઉનશિપમાં પોતાના પરિવાર સાથે રહે છે અને તેમની પાસે પોતાની મારૂતિ સુઝુકી કંપનીની અલ્‍ટો કે-૧૦ કાર જીજે૦૩પીડી-૬૫૮૦ છે, જે તેઓ ઘરની નીચે ર્પાકિંગમાં રાખે છે. ગત તારીખ ૧૦ના રોજ રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્‍યાના અરસામાં ગણપતભાઇ અને તેમના પત્‍નિ પ્રજ્ઞાબેન ઘરે હતા, ત્‍યારે તેમના પાડોશમાં રહેતા અને છુટક કપડા વેંચવાનો ધંધો કરતાં પ્રકાશભાઇ  હળવદીયા, તેના પત્‍નિ નુતનબેન અને પુત્રી સંજનાબેન કોઈ કારણસર અંદરોઅંદર મોટેમોટેથી ઝઘડો કરી રહ્યા હતા.

આ ત્રણેય જણા ઝઘડો કરતાં કરતાં ર્પાકિંગ એરિયામાં ગણપતભાઇની કાર પાસે આવી ગયા હતા અને ઝપાઝપી દરમિયાન કાર સાથે જોરથી ભટકાતા કારની પાછળના ડેકીના ભાગે સામાન્‍ય ઘોબા  પડી ગયા હતા. ર્પાકિંગમાં મોટો અવાજ અને દેકારો થતાં જ ગણપતભાઇ અને તેમના પત્‍નિ પ્રજ્ઞાબેન નીચે દોડીને નીચે આવ્‍યા હતા. તેઓએ પોતાની કારમાં નુકસાન થયેલું જોઈને પ્રકાશભાઇ સહિતને તમે અંદરોઅંદર ઝઘડો કરીને અમારી કારને કેમ ઘોબા પાડો છો અને નુકસાન કરો છો?ૅ તેમ કહેતાં પ્રકાશભાઇ, તેના પત્‍નિ અને દિકરી ઉશ્‍કેરાઇ ગયા હતાં અને ગણપતભાઇ તથા તેમના પત્‍નિને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં શબ્‍દો બોલી તારી ગાડી તો પાંચ રૂપિયાની છે...તેમ કહીને આ બેફામ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું.

આ હંગામા બાદ ત્રણેય આરોપીઓ ત્‍યાંથી ચાલ્‍યા ગયા હતા. ગણપતભાઇ અનુસુચિત જાતિના હોય અને આરોપીઓ પણ એ જ લતામાં સાથે રહેતા હોઇ પાડોશી સંબંધો ન બગડે અને લતામાં વાત વણસે નહીં તે હેતુથી ગણપતભાઇએ તે સમયે તુરંત પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ બાદમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ એસ. ડી. કોઠીવારે ગુનો નોંધતાં એસીપી આર. એસ. બારીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે. 

(3:41 PM IST)