News of Saturday, 10th October 2026
રાજકોટની હોટેલમાં મોજશોખ માણવા ગયેલા યુવક પર આતંક: હોટેલ મેનેજર સાથેના વિવાદ બાદ ૭ થી વધુ શખ્સોએ ધોકાથી ઢીબી નાખ્યો
યુનિવર્સિટી રોડ પર સમાધાનના બહાને બોલાવીને કરાયો જીવલેણ હુમલો; ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયેલા યુવકની ફરિયાદના આધારે પોલીસ તપાસ શરૂ

રાજકોટ : રાજકોટ શહેરના ત્રિકોણબાગ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં મહેમાનોને લઈને ગયેલા યુવક સાથે હોટેલ મેનેજરને દારૂના નશામાં થયેલી બોલાચાલી અને વિવાદ બાદ મામલો લોહિયાળ બન્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોટેલ સંચાલક દ્વારા સમાધાનના બહાને યુનિવર્સિટી રોડ પર બોલાવીને સાતથી આઠ જેટલા શખ્સોએ યુવક પર ધોકા વડે જીવલેણ હુમલો કરીને તેને બેફામ માર માર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, રૈયા ચોકડી પાસે રહેતો આશિષ દિનેશભાઇ મારડીયા (ઉ.વ. ૩૪) નામના યુવકના ઘરે મહેમાન આવ્યા હતા. આ મહેમાનોને મનોરંજન કરાવવા માટે આશિષ પોતાના મિત્ર અને કોર્પોરેટરના ભત્રીજા અકરમ દાઉદાણી સાથે મળીને ત્રિકોણબાગ પાસે આવેલી 'ફ્લોરાઇન' હોટેલ ખાતે ગયો હતો. તે સમયે હોટેલનો મેનેજર દારૂના નશામાં ધૂત થઈને પોતાના જ સ્ટાફ સાથે ઝઘડો કરી રહ્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા મેનેજરે આશિષ અને અકરમ સાથે પણ અકારણ ઝઘડો શરૂ કર્યો હતો અને અકરમનો કાઠલો પકડી લીધો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ હોટેલ સંચાલક દીપક રબારીને થતાં, પાલ રોડ પર રાસોત્સવનું આયોજન કરતા પોતાના મામાના દીકરાના કહેવાથી આશિષ પોતાના મિત્ર અને મહેમાનોને લઈને ત્યાંથી નીકળી ગયો હતો અને યુનિવર્સિટી રોડ પર આવેલી દ્વારકાધીશ હોટેલ પાસે બેઠો હતો. થોડીવાર પછી હોટેલ ફ્લોરાઇનના સંચાલક દીપક રબારીએ આશિષને ફોન કરીને સમાધાન કરવાના બહાને ત્યાં બોલાવ્યો હતો.
આશિષ વાતચીત કરવા પહોંચ્યો ત્યારે દીપક રબારી સહિત ૭ થી ૮ શખ્સોએ કોઈ પણ પ્રકારની વાત સાંભળ્યા વગર જ અચાનક ધોકા અને લોખંડના પાઈપ વડે તેના પર હુમલો કરી દીધો હતો. આ ઘાતક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા આશિષ મારડીયાને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોની ધરપકડ કરવા માટેની ચક્રો ગતિમાન કર્યા છે.
(11:32 PM IST)










