News of Thursday, 17th September 2026
ગાંધીધામમાં ઘરવિહોણા બનેલા 300 પરિવારોની આવાસની માંગ સાથે ચાલતી 10 દિવસની ભૂખ હડતાળનો સુખદ અંત
કચ્છ વહીવટી તંત્ર દ્વારા રહેણાંક વ્યવસ્થાની લેખિત ખાતરી અપાતાં બહુજન આર્મીના સ્થાપક લખન ધુવાએ રાત્રે પારણાં કરાવી આંદોલન સમેટી લીધું:ગરીબ પરિવારોને પાકા ઘર મળવાનો માર્ગ મોકળો બન્યો

કચ્છ જિલ્લાના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામમાં ઘરવિહોણા બનેલા સેંકડો ગરીબ નાગરિકોની લાંબી લડાઈનો આખરે સુખદ અંત આવ્યો છે. આ ભૂખ હડતાળ અંતર્ગત 300 પરિવારો છેલ્લા 10 દિવસથી પોતાની આવાસ અને પુનર્વસનની માંગણીઓ સાથે ભૂખહડતાલ પર બેઠા હતા. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખરે લેખિતમાં માંગણીઓ સ્વીકારી તાત્કાલિક રહેણાંક આપવાની ખાતરી અપાતાં આંદોલન સમેટાયું છે.
ગાંધીધામ વિસ્તારમાં સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશન કામગીરી બાદ અંદાજે 300 જેટલા શ્રમિક અને ગરીબ પરિવારો માથે છત વિનાના બની ગયા હતા. પોતાના મૂળભૂત અધિકાર એવા આવાસ અને સન્માનજનક પુનર્વસનની માંગ સાથે આ તમામ પરિવારોએ સતત આંદોલન છેડ્યું હતું.
ન્યાય ન મળતાં આ પરિવારોએ છેલ્લા 10 દિવસથી ગાંધીધામ ખાતે અચોક્કસ મુદતના ધરણા સાથે ભૂખહડતાલ શરૂ કરી હતી. ભર તડકો અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ નાના બાળકો, મહિલાઓ અને વડીલો સાથે બેઠેલા આંદોલનકારીઓની હાલત અત્યંત દયનીય બની ગઈ હતી, જેને પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું હતું.
ભૂખહડતાલના 10મા દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જણાતાં અને આંદોલનકારીઓનું સ્વાસ્થ્ય લથડવાની ભીતિ વચ્ચે કચ્છ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. ઉચ્ચ અધિકારીઓની એક વિશેષ ટીમે આંદોલન સ્થળે પહોંચી આગેવાનો સાથે વાટાઘાટો હાથ ધરી હતી.
લાંબી ચર્ચા-વિચારણા બાદ તંત્ર દ્વારા અસરગ્રસ્ત 300 પરિવારોની વાજબી માંગણીઓનો લેખિતમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્રએ સ્પષ્ટ બાંહેધરી આપી છે કે બેઘર બનેલા તમામ પરિવારો માટે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક રહેણાંક વ્યવસ્થા કરવામાં આવશે અને કાયમી પુનર્વસન માટેની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ લેખિત સ્વીકૃતિ મળતાં જ આંદોલનકારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
તંત્ર તરફથી સત્તાવાર લેખિત પત્ર સુપરત કરવામાં આવ્યા બાદ મોડી રાત્રે ધરણા સ્થળે ઉપવાસ પર ઉતરેલા તમામ આંદોલનકારીઓને પાણી અને શરબત પીવડાવીને ભૂખહડતાલના પારણા કરાવવામાં આવ્યા હતા.
આ ન્યાયિક લડતનું નેતૃત્વ સંભાળી રહેલા બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાએ આ વિજયને ગરીબોની એકતાનો વિજય ગણાવ્યો હતો. તેમણે આ લડાઈ દરમિયાન સંઘર્ષ કરનાર તમામ 300 પરિવારો, સાથ આપનાર સામાજિક સંગઠનો, મીડિયા જગત અને આખરે માનવીય અભિગમ દાખવનાર વહીવટી તંત્રના અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આંદોલન સત્તાવાર રીતે સમેટવાની જાહેરાત કરી હતી.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
