News of Thursday, 4th June 2026
જામનગરની 10 વર્ષીય આરુષી દવેએ GBS જેવી ગંભીર બીમારીને હરાવી ભરતનાટ્યમમાં વર્લ્ડ રેકોર્ડ બાદ હવે રાષ્ટ્રીય એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય પ્રશંશાપત્ર મેળવી રચ્યો ઇતિહાસ
માત્ર 30 સેકેન્ડમાં નવરસની અભિવ્યક્તિથી વિશ્વ વિક્રમ સર્જનાર બાળ નૃત્યાંગનાએ શકુંતલ સ્કૂલ ઓફ ડાન્સમાં ગુરુ હિરબેન બુચના માર્ગદર્શન હેઠળ મેળવી સિદ્ધિ, પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય વાલસુરાની વિદ્યાર્થિની બની પ્રેરણાસ્ત્રોત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ : “ઉંમર નાની હોય તો શું? સપનાઓ મોટા હોય તો સિદ્ધિઓ પોતે જ માર્ગ શોધી લે છે.” આ કહેવતને સાર્થક કરતી જામનગરની પ્રતિભાશાળી બાળ નૃત્યાંગના આરુષી જયભાઈ દવેએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક ગૌરવપૂર્ણ સન્માન મેળવ્યું છે.
આરુષીએ અગાઉ માત્ર 30 સેકેન્ડમાં ભરતનાટ્યમના નવરસ એટલે કે શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત રસનું અભિવ્યક્તિપૂર્ણ પ્રદર્શન કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. આ અનોખી સિદ્ધિ બદલ હવે તેણીને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંશાપત્ર એનાયત કરવામાં આવ્યા છે.
ખાસ વાત એ છે કે આરુષીએ નાની ઉંમરે ગિલિયન-બારે સિન્ડ્રોમ GBS જેવી ગંભીર બીમારી સામે બહાદુરીપૂર્વક લડત આપી હતી. મુશ્કેલ પરિસ્થિતિઓને હરાવીને બાળકીએ ફરીથી નૃત્યક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો અને આજે અનેક બાળકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
હાલ આરુષી જામનગરની પી. એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, વાલસુરા ખાતે અભ્યાસ કરે છે. સાથે જ શકુંતલ સ્કૂલ ઓફ ડાન્સમાં ગુરુ શ્રીમતી હિરબેન પરેશભાઈ બુચના માર્ગદર્શન હેઠળ ભરતનાટ્યમની તાલીમ મેળવી રહી છે. તેમની સતત મહેનત, શિસ્ત અને કળા પ્રત્યેની નિષ્ઠાનું આ સન્માન એક ઉત્તમ પરિણામ છે.
આ સિદ્ધિ બદલ તેણીએ પરિવારજનો, ગુરુજનો, શાળા પરિવાર તેમજ સમગ્ર જામનગરને ગૌરવ અપાવ્યું છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
