News of Saturday, 11th July 2026
જામનગરના રણજીત સાગર રોડ સ્થિત સરકારી ચિલ્ડ્રન હોમમાંથી નાસી ગયેલા 11 અને 12 વર્ષના બે બાળકોને સઘન શોધખોળ બાદ હેમખેમ શોધી કાઢવામાં આવ્યા
સંસ્થામાંથી નીકળી ગયેલા બંને બાળકો ગુમ થતાં પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગમાં દોડધામ મચી હતી, કાઉન્સેલિંગ બાદ બંને ફરી સંસ્થાને સોંપવામાં આવ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 11 : જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલ સરકારી ચિલ્ડ્રન હોમમાંથી શનિવારે સવારે નાસી ગયેલા બે સગીર બાળકોને અંતે હેમખેમ શોધી કાઢવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે શરૂઆતમાં સંસ્થા અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, પરંતુ બાળકો સુરક્ષિત મળી આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચિલ્ડ્રન હોમમાં રહેતા અંદાજે 11 વર્ષ અને 12 વર્ષની વયના બે બાળકો શનિવારે સવારે આશરે 8:30 કલાકે સંસ્થામાંથી નીકળી ગયા હતા. થોડા સમય બાદ જ્યારે બાળકો હાજર ન હોવાનું ધ્યાને આવ્યું ત્યારે સંસ્થાના સંચાલકો દ્વારા તાત્કાલિક આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક પ્રયાસો બાદ પણ બાળકોનો કોઈ પત્તો ન લાગતા આખરે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી હતી. બાળકોના ગુમ થવાની જાણ થતાં જ પોલીસ તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ સક્રિય બન્યા હતા. તમામ વિભાગો દ્વારા સંકલન કરીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન શોધખોળ કરવામાં આવી હતી.
લાંબા પ્રયાસો બાદ આખરે પોલીસ અને સંબંધિત ટીમોને બંને બાળકો મળી આવ્યા હતા. બાળકોને કોઈ પ્રકારની ઈજા કે તકલીફ ન હતી અને તેઓ સુરક્ષિત હતા. બાળકો મળી આવતા ચિલ્ડ્રન હોમના સંચાલન મંડળ, પોલીસ વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
નિયમ અનુસાર બંને બાળકોનું પ્રાથમિક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળની કાયદાકીય અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને બાળકોને ફરીથી ચિલ્ડ્રન હોમના હવાલે સોંપવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળકોની સુરક્ષા, દેખરેખ અને દૈનિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી પગલાં લેવા અંગે તંત્ર દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
