<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

મોરબીના મચ્છુ-2 ડેમના 12 દરવાજા 10 ફૂટ ખોલાયા: ઉપરવાસના ભારે વરસાદથી 76308 ક્યુસેક પાણી નદીમાં છોડાયું, મોરબી-માળિયાના 32 ગામો હાઈ એલર્ટ પર

ડેમમાં સમાન આવક-જાવક, બેઠો પુલ વાહનવ્યવહાર માટે બંધ, નદીકાંઠાના ગામોને તંત્રની કડક સૂચના - પટમાં અવરજવર ન કરવા અને માલ-મિલકત સલામત સ્થળે ખસેડવા અપીલ

 (પ્રવીણ વ્યાસ દ્વારા)મોરબી તા.૧ : મોરબી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક નોંધાઈ રહી છે. જેને પગલે સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા બપોરે 3 વાગ્યે ડેમના 12 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

જિલ્લા સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ બપોરે 3 વાગ્યે ડેમમાં 76 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી. જેની સામે ડેમના 12 દરવાજા 10 ફૂટ ખોલીને તેટલું જ 76308 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા મચ્છુ નદીનું જળ સ્તર ઝડપથી વધી રહ્યું છે.

 

સ્થિતિને ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરનો બેઠો પુલ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાય તે માટે મહાનગરપાલિકા, દબાણ શાખા તેમજ માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે.

નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતું હોવાથી વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.  

મોરબી તાલુકાના 22 ગામો જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી અને વજેપર  

માળિયા તાલુકાના 10 ગામો:વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) અને રાસંગપર

વહીવટી તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. આ સાથે જ નાગરિકોને પોતાની માલ-મિલકત સલામત સ્થળે ખસેડી લેવા, ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા અને સત સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

ઉપરવાસમાં હજુ પણ વરસાદ ચાલુ હોવાથી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

(3:16 PM IST)