News of Saturday, 24th October 2026
સ્કેટિંગ કરતા બિહારથી દ્વારકાધીશના દર્શને નીકળેલા ૧૮ વર્ષીય સોનુ યાદવ પહોંચ્યા જામનગર : ૧૨ જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રાનો અનોખો સંકલ્પ : જુઓ વિડીયો
૧૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ પટનાથી શરૂ કરી સાહસિક યાત્રા : ૧૧ રાજ્યોનો પ્રવાસ ખેડી ગુજરાત પહોંચેલા યુવાનની શ્રદ્ધા અને અદમ્ય ઉત્સાહથી લોકો અભિભૂત

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : ભગવાન દ્વારકાધીશ અને કાળિયા ઠાકર પ્રત્યે દેશભરમાં રહેલી અખૂટ શ્રદ્ધાનું અનોખું દર્શન કરાવતો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. બિહારના પટનાથી સ્કેટિંગ કરતા ભારતભ્રમણ પર નીકળેલા ૧૮ વર્ષીય યુવક સોનુ યાદવ પોતાની સાહસિક યાત્રાના ભાગરૂપે જામનગર પહોંચ્યા છે. ૧૨ જ્યોતિર્લિંગ અને ચારધામની પવિત્ર યાત્રા કરવાનો દૃઢ સંકલ્પ લઈને નીકળેલા આ યુવાનની આસ્થા અને જુસ્સો જોઈને સ્થાનિક લોકો પણ સ્તબ્ધ અને અભિભૂત થઈ ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સોનુ યાદવે ગત ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ બિહારના પટનાથી આ સાહસિક યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કરાવનાર ગુરુ સંજય તેમજ માતા સંગીતા દેવી અને પિતા વિજય યાદવની પ્રેરણાથી તેમણે આ કઠિન માર્ગ પસંદ કર્યો છે. સ્કેટિંગના માધ્યમથી દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિને નજીકથી જાણવાની સાથે ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
અત્યાર સુધીમાં કુલ ૧૧ રાજ્યોનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને તેઓ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન જ્યારે તેઓ જામનગર પહોંચ્યા ત્યારે તેમની આ અનોખી યાત્રા ભારે આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બની હતી. આગામી સમયમાં તેઓ મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કરશે અને તમામ નિર્ધારિત ધાર્મિક સ્થળોના દર્શન કર્યા બાદ પોતાની યાત્રા પૂર્ણ કરી વતન પરત ફરશે. માત્ર ૧૮ વર્ષની યુવા વયે અદમ્ય સાહસ, મનોબળ અને સંકલ્પશક્તિ સાથે નીકળેલા સોનુ યાદવની આ યાત્રા વર્તમાન યુવાધન માટે એક નવો રાહ ચીંધનારી સાબિત થઈ રહી છે.
(તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
