News of Sunday, 26th April 2026
જામનગરના ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામમાં 180 મતદારોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર : રસ્તાઓની દુર્દશાથી લાલઘૂમ ગ્રામજનો
ખેતરમાં પાણીની પાઇપલાઇન માટે ખોદાયેલા રસ્તા એક મહિનાથી બિસ્માર, તંત્રને અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં મતદાન મથક રહ્યું સૂમસામ; ગ્રામજનોની માંગ- પહેલા રસ્તો, પછી મત

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગામના રસ્તાઓની બદતર હાલત અને તંત્રની ઉદાસીનતાથી કંટાળીને ગ્રામજનોએ સામૂહિક રીતે મતદાનનો બહિષ્કાર કર્યો છે.
ગામના અહેવાલ મુજબ, આશરે એક મહિના અગાઉ બાજુના ગામના એક ખેડૂત દ્વારા ખેતરમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નાખવાનું કામ હાથ ધરાયું હતું. આ કામગીરી માટે થયેલા ખોદકામને કારણે ગામના મુખ્ય રસ્તાઓ સંપૂર્ણપણે ખોદાઈ ગયા છે અને અવરજવર અતિ મુશ્કેલ બની છે. વરસાદી માહોલમાં કે સામાન્ય દિવસોમાં પણ આ રસ્તા પરથી પસાર થવું જોખમી બન્યું છે.
ગ્રામજનોએ જણાવ્યું કે, રસ્તાની આ ગંભીર સમસ્યા અંગે ધ્રોલ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને જિલ્લા પંચાયત સુધી અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં, તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો અપાયા, જમીની સ્તરે કોઈ કામગીરી થઈ નહીં.
તંત્રની નિષ્ક્રિયતાથી રોષે ભરાયેલા પીપરટોડા ગામના આશરે 180 મતદારોએ એકજૂટ થઈને નિર્ણય લીધો કે જ્યાં સુધી રસ્તાનું કામ પૂરું ન થાય અથવા કોઈ નક્કર ઉકેલ ન આવે, ત્યાં સુધી મતદાન નહીં કરીએ. મતદાનના દિવસે ગામમાં કોઈ પણ વ્યક્તિ મતદાન કરવા ન જતાં મતદાન મથક પર સન્નાટો જોવા મળ્યો હતો.
ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે, લોકશાહીમાં મતનું મહત્વ છે પરંતુ તે પહેલાં પ્રાથમિક સુવિધાઓ મળવી એ અમારો હક છે. તંત્ર હવે ગ્રામજનોને મનાવવામાં સફળ રહેશે કે પછી બહિષ્કાર યથાવત રહેશે, તે જોવું રહ્યું.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
