<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

મોરબીમાં ભૂલા પડી ગયેલા વૃદ્ધાનું ૧૮૧ ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું.

ભૂલા પડી ગયેલ વૃદ્ધ માજીને તેમના પરિવાર સાથે સહી સલામત મિલન કરાવવામાં આવતા તેમના પરિવારજનો દ્વારા 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન કરી જાણ કરવામાં આવેલ કે એક વૃદ્ધ માજી એકલા બેઠેલા જોવા મળે છે. તેમની ઉંમર વધુ હોવાના કારણે તેઓ યોગ્ય રીતે જવાબ આપી શકતા નથી તેમજ ભૂલા પડી ગયેલ હોય તેવું જણાઈ આવે છે. જેથી તેમને મદદની જરૂરિયાત છે.

માહિતી મળતા જ 181 અભયમ ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તથા પાયલોટ જીડ વિરમભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સૌપ્રથમ જાગૃત નાગરિકનું કાઉન્સેલિંગ કરતાં તેમણે જણાવેલ કે આ વૃદ્ધ માજી ઘણા સમયથી એકલા બેઠેલા છે અને કોઈને યોગ્ય રીતે જવાબ આપી શકતા નથી. વધુમાં તેઓ ઉંમરલાયક હોવાના કારણે ચાલી શકતા ન હતા અને બેઠા બેઠા હાથનો ટેકો લઈને ધીમે ધીમે આગળ વધવાનો પ્રયત્ન કરતા હતા. તેમજ તેમને સાંભળવામાં પણ તકલીફ પડતી હતી.
ત્યારબાદ 181 અભયમ ટીમ દ્વારા વૃદ્ધ માજીને હૂંફ અને સાંત્વના આપી તેમની સાથે વાતચીત કરી તેઓ ક્યાંનાં રહેવાસી છે, ક્યાંથી આવ્યા છે તથા તેમના પરિવારજનો અંગેની માહિતી મેળવવાના પ્રયત્નો કરવામાં આવેલ. પરંતુ ઉંમર વધુ હોવાના કારણે તેઓ યોગ્ય રીતે જવાબ આપી શકતા ન હતા. તેમજ શરૂઆતમાં 181 વાનમાં બેસવા માટે પણ તૈયાર ન હતા. જેથી ટીમ દ્વારા ધીરજપૂર્વક સમજાવવાના પ્રયત્નો કરવામાં આવેલ. ત્યારબાદ તેમને રિક્ષામાં બેસાડી તેમણે ઈશારા દ્વારા બતાવેલ રસ્તા પર લઈ જઈ આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલ, પરંતુ કોઈ ચોક્કસ માહિતી મળી શકેલ નહીં.
ઘણા પ્રયત્નો બાદ વૃદ્ધ માજી દ્વારા જેતપર ગામનું નામ જણાવવામાં આવતા 181 અભયમ ટીમ તેમને વાનમાં બેસાડી જેતપર ગામે લઈ ગયેલ. ત્યારબાદ ગામમાં આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં તેમના પરિવારજનો મળી આવેલ હતા. આમ, 181 અભયમ ટીમની સતત મહેનત અને સમજદારીપૂર્વકની કામગીરીના પરિણામે વૃદ્ધ માજીના પરિવારની ભાળ મળી આવેલ હતી.
181 અભયમ ટીમ દ્વારા વૃદ્ધ માજીના પુત્રને જરૂરી સલાહ-સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ તેમની માતાની ઉંમર અને શારીરિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની ખાસ કાળજી રાખવા, તેમને એકલા ઘરેથી બહાર ન મોકલવા તથા બહાર જવાની જરૂરિયાત હોય ત્યારે પરિવારના કોઈ સભ્યને સાથે મોકલવા સમજાવવામાં આવેલ. આમ, 181 અભયમ ટીમ દ્વારા સમયસર ઘટના સ્થળે પહોંચી ધીરજ, સંવેદનશીલતા અને સમજદારીપૂર્વક કામગીરી કરી ભૂલા પડી ગયેલ વૃદ્ધ માજીને તેમના પરિવાર સાથે સહી સલામત મિલન કરાવવામાં આવતા તેમના પરિવારજનો દ્વારા 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ.

(8:53 PM IST)