<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની જેલ: કચ્છના ગાંધીધામ પોક્સો કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો

લગ્નની લાલચ આપી અપહરણ કરનારને પોક્સો કોર્ટની સજા; ભોગ બનનારને એક લાખનું વળતર ચૂકવવા હુકમ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦ :  કચ્છના ગાંધીધામના મચ્છુનગર વિસ્તારમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના ત્રણ વર્ષ જૂના કેસમાં વિશેષ પોક્સો કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. ૧૫ વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી અપહરણ કરનાર આરોપી સુજાતકુમાર અખિલેશ વર્મા (યાદવ)ને અદાલતે દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

બનાવની વિગતો અનુસાર વર્ષ ૨૦૨૩માં આરોપીએ કિશોરીને લગ્નની લાલચ આપી પોતાની સાથે લઈ જઈ એક હોટેલમાં દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે વિશેષ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ એમ. આર. જાડેજાએ રજૂ કરેલી દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ ન્યાયાધીશ આર. જે. પટેલે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. અદાલતે ૨૦ વર્ષની સખત કેદ ઉપરાંત રૂ. ૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરવામાં આવે તો વધારાની કેદની સજા પણ નિર્ધારિત કરવામાં આવી છે. સાથે જ ભોગ બનનારને રૂ. ૧ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

(9:46 AM IST)