News of Tuesday, 10th November 2026
કારીયાણી ગામમાં ૨૫૦ વર્ષ જૂની પરંપરા જીવંત: બેસતા વર્ષે ગાયોના ધણ દોડાવાયા અને યોજાઈ ભવ્ય અશ્વ હરિફાઈ
ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલી આવતી અદ્ભુત ઐતિહાસિક પરંપરા જોવા માટે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા

કારીયાણી : આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં જ્યાં પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે, ત્યારે બોટાદ જિલ્લાનું કારીયાણી ગામ પોતાની ૨૫૦ વર્ષ જૂની ઐતિહાસિક પરંપરાને આજે પણ પૂરી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જાળવી રહ્યું છે. બેસતા વર્ષના પાવન અવસરે કારીયાણી ગામમાં ૨૫૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ગાયોના ધણ દોડાવવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ પરંપરાની વિશેષતા એ છે કે તેની શરૂઆત સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના સમયમાં થઈ હતી, જેને આજે પણ ગ્રામજનોએ જીવંત રાખી છે.
નવા વર્ષના પ્રથમ દિવસે ગામમાં ઢોલ-નગારાના ગગનભેદી નાદ અને ભવ્ય આતશબાજી સાથે ગાયોના ધણનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના મુખ્ય માર્ગો પર ગાયોના ધણ દોડાવવામાં આવ્યા હતા. ગ્રામજનોમાં એવી દ્રઢ માન્યતા છે કે બેસતા વર્ષના દિવસે ગાયોના ખરીથી ઉડતી રજ આખા ગામમાં ફેલાય તેનાથી ગામમાં આખું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય જળવાઈ રહે છે. આ સાથે જ ગ્રામજનોએ ગાયોના ધણ દોડાવીને નવા વર્ષના મંગળ શુકન લીધા હતા.
આ માત્ર ગાયોના ધણ દોડાવવા પૂરતું સીમિત ન રહેતા, આ પાવન અવસરે ગામમાં ભવ્ય અશ્વ હરિફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશી નસલના આકર્ષક અશ્વો સાથે અશ્વસવારોએ પોતાના કૌશલ્યના દર્શન કરાવ્યા હતા. આ અદભુત અને ઐતિહાસિક પરંપરાને નિહાળવા માટે કારીયાણી ગામ ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, અને આખું ગામ ઉત્સવના રંગમાં રંગાઈ ગયું હતું.
કાર્યક્રમ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા સ્થાનિક ગ્રામજન ઉમેદભાઈ પડગીરે જણાવ્યું હતું કે, "ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલતી આ ૨૫૦ વર્ષ જૂની પરંપરા આપણા માટે ગૌરવની બાબત છે. નવી પેઢી પણ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે તે માટે અમે આ આયોજન દર વર્ષે બેસતા વર્ષે કરીએ છીએ." જ્યારે અન્ય ગ્રામજન ભદ્રેશભાઈ વેગડે પોતાની બાઈટમાં ઉમેર્યું હતું કે, "ગાયોના પૂજન અને તેમની રજથી ગામમાં વ્યાપેલી સકારાત્મક ઊર્જા જ અમારા ગામની સુખ-શાંતિનું રહસ્ય છે." આ ભવ્ય આયોજન બાદ આગામી સમયમાં આ પરંપરાને રાજ્ય સ્તરે સાંસ્કૃતિક ઉત્સવ તરીકે ઉજવવા માટે ગ્રામજનો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ વિશેષ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
