જૂનાગઢમાં ૧ કલાક બંધ મકાનમાં ૩ લાખની ચોરી
દોલતપરામાં બીજા નોરતાની રાત્રે બનેલી ઘટના પરિવારે મકાન લેવા એકત્ર કરેલી રકમ તસ્કરો લઇ ગયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૬ : જૂનાગઢના દોલતપરામાં બીજા નોરતાની રાત્રે ૧ કલાક બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા ૩ લાખની ચોરી કરી નાસી જતા પરિવારે મકાન લેવા એકત્ર કરેલી રકમ ગુમાવવાનો વારો આવ્યો છે.
દોલતપરા ઈન્દ્રેશ્વર રોડ વાસમાં રહેતા મનુબેન જયેશભાઈ સાગઠીયા તા. ૧૨ ઓક્ટોબરના રોજ રાત્રે ૧૧ વાગ્યાના સુમારે તેઓ તેમની ૧૩ વર્ષની દીકરી સાથે નવરાત્રી ગરબીમાં ગયા હતા. દરમિયાન રાત્રે ૧૨ વાગ્યે ઘરે પરત ફરતા મકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.
ઘરમાં તપાસ કરતા લાકડાના કબાટમાં મકાન લેવા માટે ભેગા કરેલા રોકડા રૂપિયા ૩ લાખ ગાયબ હતા. આ અંગે આસપાસમાં તપાસ કરતા અને નણંદ શીતલબેન સાથે વાતચીત કરતા માલૂમ પડ્યું હતું કે, દોલતપરા ૬૬ કેવી પાસે રહેતા કીરણ દેવીપુજક અને સુનીલ દેવીપુજક નામના બે શખ્સો ઘરની શેરી પાસે આટાફેરા મારતા નજરે પડ્યા હતા.
આ બંને શખ્સોએ મકાનમાં પ્રવેશ કરી કબાટમાંથી રોકડ રકમ ચોરી કરી હોવાની શંકા સાથે મનુબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
