<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

સુરેન્‍દ્રનગરમાં એક જ કલાકમાં ૩ અલગ-અલગ આત્‍મહત્‍યાની ઘટનાથી ચકચાર

વઢવાણના ૧૫ વર્ષીય કિશોર, સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં પાછળ રહી ગયેલી ૩૧ વર્ષીય યુવતી અને રામપરાની ૨૬ વર્ષીય મહિલાએ જીવન ટૂંકાવ્‍યું, જિલ્લામાં શોકનું મોજું

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૧૮: સુરેન્‍દ્રનગર જિલ્લામાં આત્‍મહત્‍યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્‍યારે એક જ કલાકમાં ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. ત્રણેય ઘટનાઓમાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે.

પ્રથમ ઘટનામાં સુરેન્‍દ્રનગરના સંત સવૈયા સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય યુવતીએ પોતાના ઘરે જીવન ટૂંકાવ્‍યું હતું. પરિવારજનોના જણાવ્‍યા મુજબ, તેઓ તાજેતરમાં યોજાયેલી સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં થોડા માર્કસથી પાછળ રહી ગયા હતા અને સરકારી નોકરી માટે પસંદગી થઈ ન હતી. તેમણે MBA સુધી અભ્‍યાસ કર્યો હતો. આ બાબતને લઈને તેઓ ઘણા સમયથી માનસિક તણાવમાં હતા.

બીજી ઘટનામાં સુરેન્‍દ્રનગર શહેરના ૮૦ ફૂટ રોડ પર રહેતા ધોરણ-૧૦માં અભ્‍યાસ કરતા ૧૫ વર્ષીય કિશોરે પોતાના ઘરે જીવન ટૂંકાવ્‍યું હતું. આ ઘટનાનું કારણ હજુ સ્‍પષ્ટ થયું નથી. પરિવારજનો પણ આ ઘટનાથી ચિંતામાં મુકાયા છે.

ત્રીજી ઘટના જિલ્લાના રામપરા ગામે બની હતી, જ્‍યાં ૨૬ વર્ષીય મહિલાએ પોતાના ઘરે જીવન ટૂંકાવ્‍યું હતું. પરિવારજનોએ એક યુવક દ્વારા અલગ-અલગ પ્રકારની માગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ મહિલાને બે સંતાનો છે. પરિવારજનોએ ન્‍યાયની માગ સાથે મળતદેહ સ્‍વીકારવાનો ઇનકાર કર્યો હોવાનું પણ સામે આવ્‍યું છે.

ત્રણેય મળતદેહોને સુરેન્‍દ્રનગર સિવિલ હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવ્‍યા હતા. તમામ બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(10:56 AM IST)