તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
News of Friday, 4th September 2026
જૂનાગઢની ૪૫ શાળા - સંસ્થાઓએ ૩૦૦૦થી વધુ વૃક્ષો વાવી ‘IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માં નોંધાવી ભાગીદારી : વૃક્ષારોપણ મહાઅભિયાન બન્યું સફળ
પરમ પૂજ્ય ગુરુદેવ રવિશંકરજીની પ્રેરણા અને કિશનચંદ ટેકચંદ પરિવારના સૌજન્યથી યોજાયેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જૂનાગઢ જિલ્લા કન્વીનર અને પર્યાવરણવિદ્ મીરા વૈષ્ણવની પ્રશંસનીય કામગીરી

જૂનાગઢ: પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણને જનઆંદોલનનું સ્વરૂપ આપવાના ઉદ્દેશ સાથે પ્રકૃતિ મિત્ર ગ્રુપ, ગુજરાત દ્વારા તા. ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં એકસાથે વૃક્ષારોપણ મહાઅભિયાન યોજવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ગુરુદેવ રવિશંકરજીની પ્રેરણા-આશીર્વાદથી તથા કિશનચંદ ટેકચંદ પરિવાર, ખેડબ્રહ્માના સૌજન્યથી યોજાયેલા આ અભિયાનને ‘એક પેડ મા કે નામ’ અભિયાન સાથે પણ સાંકળી લેવામાં આવ્યું હતું.
આ મહાઅભિયાનમાં જૂનાગઢ જિલ્લાની ૪૫ જેટલી શાળા-સંસ્થાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ અત્યંત ઉત્સાહભેર ભાગ લઈને ૩૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. વિવિધ સ્થળોએ એકસાથે હાથ ધરવામાં આવેલા આ વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાગૃતિની સાથે વૃક્ષોના જતન અને સંવર્ધનનો સચોટ સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મહાઅભિયાનની નોંધ વિશ્વસ્તરે 'IEA Book of World Record' માં કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ જિલ્લાની ૪૫ શાળા-સંસ્થાઓની સામૂહિક ભાગીદારી એક વિશેષ સિદ્ધિ બનીને ઉભરી છે.
જૂનાગઢ જિલ્લામાં આ અભિયાનને વ્યાપક સફળતા અપાવવામાં સ્વામી વિવેકાનંદ વિનય મંદિર-ચણાકા, માધ્યમિક શાળાનાં ગણિત-વિજ્ઞાન શિક્ષિકા તથા પ્રકૃતિ મિત્ર ગ્રુપ, જૂનાગઢ જિલ્લા કન્વીનર અને પર્યાવરણવિદ્ મીરા વૈષ્ણવએ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે વિવિધ શાળા-સંસ્થાઓ સાથે સંકલન સાધીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને આ અભિયાનમાં જોડ્યા હતા.
વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવનારી આ સિદ્ધિ સાથે જૂનાગઢ જિલ્લાએ પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ ક્ષેત્રે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પહેલ માત્ર રેકોર્ડ બનાવવા પૂરતી સીમિત ન રહેતાં, વૃક્ષોના યોગ્ય ઉછેર અને સંવર્ધન દ્વારા હરિયાળા ભવિષ્યના નિર્માણનો દ્રઢ સંકલ્પ બની રહી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
