<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

જામનગર જીલ્લાની સિક્કા નગરપાલિકામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 58.52% મતદાન, વોર્ડ-1 માં સૌથી વધુ 66.89%

19,409 મતદારોમાંથી 11,358 મતદારોએ નિભાવી ફરજ; પુરુષ 59.03% સામે મહિલા મતદાન 57.99%; વોર્ડ-3 માં 63.47% અને વોર્ડ-5 માં 58.81% નોંધાયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ : સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત સિક્કા નગરપાલિકામાં રવિવારે બપોરે 3:11 વાગ્યા સુધીમાં 58.52% મતદાન નોંધાયું છે. જામનગર જિલ્લાની આ નગરપાલિકામાં મતદારોએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો.

 

ચૂંટણી તંત્રના આંકડા મુજબ, સિક્કા નગરપાલિકાના 7 વોર્ડમાં કુલ 19,409 મતદારો પૈકી 11,358 મતદારોએ બપોર સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પુરુષ મતદારોમાં 9,886 માંથી 5,836 એટલે કે 59.03% અને મહિલા મતદારોમાં 9,523 માંથી 5,522 એટલે કે 57.99% મતદાન નોંધાયું.

 

*વોર્ડ મુજબ મતદાનની સ્થિતિ*

વોર્ડ નંબર-1 માં સૌથી વધુ 66.89% મતદાન નોંધાયું છે. અહીં 2,561 મતદારોમાંથી 1,713 મતદારોએ મત આપ્યા. વોર્ડ-1 માં પુરુષ 67.12% અને મહિલા 66.64% રહ્યું.

 

વોર્ડ-3 માં 63.47% સાથે બીજા ક્રમે સૌથી વધુ મતદાન થયું. 3,247 મતદારોમાંથી 2,061 મતદારોએ મતદાન કર્યું. અહીં પુરુષ 63.26% અને મહિલા 63.69% રહ્યું, જ્યાં મહિલા મતદાન પુરુષ કરતા ઊંચું રહ્યું. વોર્ડ-2 માં 60.71% અને વોર્ડ-5 માં 58.81% મતદાન નોંધાયું.

 

સૌથી ઓછું મતદાન વોર્ડ-7 માં 50.25% નોંધાયું. અહીં 2,414 મતદારોમાંથી 1,213 મતદારોએ મત આપ્યા. વોર્ડ-4 માં 54.15% અને વોર્ડ-6 માં 54.11% મતદાન થયું છે.

 

સિક્કાના તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. દરિયાકાંઠાના આ વિસ્તારમાં મતદારોનો ઉત્સાહ નોંધપાત્ર રહ્યો છે. સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે.

(3:57 PM IST)