News of Saturday, 1st August 2026
મોરબીમાં ૬ ઇંચ વરસાદઃ દુકાનો- મકાનોમાં પાણી ભરાયા
કોયબા અને રાજસ્થળ ગામ સંપર્ક વિહોણાઃ ૧૮ રસ્તા બંધ થયાઃ કલેકટર સ્વપ્નિલ ખરેની પત્રકાર પરિષદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧: જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લાની સ્થિતિ અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે મોરબીમાં હાલની સ્થિતિ પ્રમાણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ વરસાદનું જોર થોડું ઘટયું છે પરંતુ સંપૂર્ણપણે બંધ થયો નથી. આગામી ૩ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારબાદ ઓરેન્જ અને ગ્રીન એલર્ટની સ્થિતિ થશે. રાહતની વાત એ છે કે જિલ્લામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નોંધાયું નથી. આજે બપોર સુધીમાં ૬ ઇંચ વરસાદ પડયો છે.
ડેમની સ્થિતિ અંગે માહિતી આપતા કલેકટરે જણાવ્યું કે મચ્છુ ૨ ડેમમાંથી લગભગ ૩૦૦૦૦ કયુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે મચ્છુ ૩ ડેમમાંથી લગભગ ૭૫૦૦ કયુસેક જેટલું પાણી છોડવામાં આવશે. આ ઉપરાંત ધાડાધ્રોઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે.
આરએન્ડબી પંચાયતના ૧૭ રસ્તાઓ પાણી ફરી વળવાના કારણે બંધ હતા, જેમાંથી વીજપોલની કામગીરી પૂર્ણ થતા ૧ રસ્તો ચાલુ કરાયો છે. હાલ પંચાયતના ૧૬ રસ્તાઓ અને સ્ટેટના ૨ રસ્તાઓ બંધ છે. સ્ટેટના જે ૨ રસ્તાઓ બંધ છે તેમાં હળવદ-સરા રોડ અને વાસડા-ખરેડા રોડનો સમાવેશ થાય છે. હળવદ-સરા રોડ પર પાણી ઉતરતા જ રસ્તો ચાલુ થઈ જશે, અને આવતા વર્ષે અહીં બ્રિજ માટેનો પ્રોજેક્ટ પણ આરએન્ડબી પંચાયત દ્વારા મંજૂર થઈ ગયો છે. વળક્ષ પડવાની ૨ ઘટનાઓ સામે આવી હતી જેમાં ફોરેસ્ટ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કામગીરી ચાલુ છે.
માળિયા તાલુકા માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. નોડલ અધિકારી DSO મોરબી ત્યાં તૈનાત છે. શ્રમ અધિકારી અને મામલતદાર પણ ફિલ્ડમાં છે. ચોમાસા પહેલા મીઠાના અગરોમાંથી કોઈ રહી ન જાય અને દબાણો દૂર કરવાની કાર્યવાહી પહેલેથી જ કરી લેવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોના લોકોને અગાઉથી જાણ કરી દેવાઈ છે અને જરૂર પડ્યે તેઓને શેલ્ટર હોમમાં ખસેડવાની વ્યવસ્થા તૈયાર છે.
કલેકટર સ્વપ્નિલ ખરેએ નાગરિકોને અપીલ કરી છે કે સાવચેતીના ભાગરૂપે જ્યાં સુધી વરસાદ સંપૂર્ણ બંધ ન થાય ત્યાં સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું. રસ્તા પર ૩ થી ૪ ઈંચ પાણી વહેતું હોય તો પણ રસ્તો ક્રોસ કરવો નહીં. કોઈ પણ મોટી સમસ્યા હોય તો તાલુકા કે જિલ્લાના કંટ્રોલ રૂમના નંબર પર અથવા મામલતદાર કચેરીનો સીધો સંપર્ક કરી શકાય છે.
મોરબીના મહેન્દ્રનગર રોડ પર આવેલ ગોપાલ સોસાયટીના નાકે, જ્યાં ઓવરબ્રિજ ઉતરે છે ત્યાં માત્ર ૪ ઈંચ વરસાદ પડતા જ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક વેપારીઓ તેમજ હંસા સિલેક્શન સહિતની આસપાસની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ઓવરબ્રિજ પાસે બનાવવામાં આવેલી ૧૦૦ ફૂટની આડી દિવાલના કારણે પાણીનો નિકાલ અટકી ગયો છે. જેના પરિણામે પાણી રોકાઈને સીધું દુકાનોમાં ઘૂસી રહ્યું છે. દુકાનોમાં પાણી જતું અટકાવવા માટે વેપારીઓએ ૩-૩ ફૂટની આડી પાળ બનાવી હોવા છતાં પાણી અંદર ઘૂસી જાય છે.
આ વિસ્તારમાં કુબેર, સો-ઓરડી અને ત્રાજપર તરફથી પાણી વહીને આવે છે, પરંતુ આગળ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. ચોમાસા દરમિયાન જ્યારે પણ ચારથી પાંચ ઈંચ વરસાદ આવે ત્યારે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપો કરાયા છે અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
