<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

નિકાવા પાસે એસ.ટી. બસમાંથી દારૂની ૬૨૦ બોટલો ઝડપાઈ: રૂ. ૧.૫૦ લાખના મુદ્દામાલ સાથે પંચમહાલનો શખ્સ પોલીસ સકંજામાં

કાલાવડ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી: મુસાફરના સામાનમાંથી રૂ. ૧.૪૫ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો

 કાલાવડ દારૂની હેરાફેરી માટે હવે સરકારી એસ.ટી. બસનો ઉપયોગ પણ થતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે નિકાવા બસ સ્ટેન્ડ નજીક હાઈવે પર પસાર થતી એસ.ટી. બસમાં તપાસ હાથ ધરી વિદેશી દારૂની ૬૨૦ બોટલો ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન પંચમહાલ જિલ્લાના એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી વિગતો મુજબ, કાલાવડ ગ્રામ્ય પોલીસના પીએસઆઈ સી.બી. રાંકજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ રામજીભાઈ ચાવડા સહિતનો પોલીસ સ્ટાફ નિકાવા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન નિકાવા બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી ગુજરાત એસ.ટી. બસ નંબર GJ-18-ZT-2943ને અટકાવી તપાસ કરવામાં આવી હતી.
બસમાં તપાસ દરમિયાન મુસાફરી કરી રહેલા રાજેશકુમાર ભીમસિંહભાઈ પટેલીયા (ઉં.વ. ૪૪, રહે. ડાંગરીયા ગામ, પટેલ ફળિયું, તા. મોરવા હડફ, જી. પંચમહાલ) પાસેથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ ૬૨૦ બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂ. ૧,૪૫,૦૦૦ હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે દારૂનો જથ્થો તથા રૂ. ૫,૦૦૦ની કિંમતનો વીવો કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(10:49 AM IST)