<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th April 2024

ગીરના જંગલોમાં ઉનાળામાં પાણીના પોઇન્‍ટનું વ્‍યવસ્‍થાપન

આ વન્‍યજીવોને પાણી પુરૂ પાડે છે, ગીરમાં કુલ ૬૧૮ પાણીના પોઇન્‍ટ આવેલા છે, જે પૈકી ૧૬૭ કુદરતી અને ૪૫૧ કૃત્રીમ પાણીના પોઇન્‍ટ : પ્રાણીઓને ગરમીથી રક્ષણ માટે શણના કોથળાઓ પણ રાખવામાં આવે છે

 

તમામ જીવો માટે ખોરાક ઉપરાંત પાણી અનિવાર્ય છે. ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્ર વિસ્‍તારમાં સ્‍થિત ગીરનું જંગલ સુકા પાનખર પ્રકારનુ જંગલ છે. આ અનન્‍ય ઇકોસિસ્‍ટમ સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવે છે. ગીરના જંગલોમાં ૪૧ પ્રજાતિના સસ્‍તન પ્રાણીઓ, ૪૭ પ્રજાતિનાં સરીસૃપ, ૩૩૮ પ્રજાતિના નિવાસી અને યાયાવર પક્ષીઓ તેમજ ૨૦૦૦ થી વધુ પ્રજાતિના કિટકો વસવાટ કરે છે.

ગીરનું જંગલ શેત્રુંજી, હિરણ, શિંગોડા, મચ્‍છુંદ્રી, રાવલ, ઘોડાવડી અને ધાતરડી જેવી મહત્‍વની નદીઓનું ઉદ્દગમ સ્‍થાન છે. ગીરની જીવાદોરી ગણાતી આ નદીઓ જુદી જુદી દિશામાં વહે છે. તદુપરાંત હિરણ, મચ્‍છુંદ્રી, રાવલ અને શિંગોડા નદીઓ પર એક-એક જળાશયો આવેલા છે. આ નદીઓ અને જળાશયો વિશાળ કેચમેન્‍ટ વિસ્‍તાર ધરાવે છે. આ નદીઓ અને જળાશયો માત્ર મનુષ્‍યને પીવા અને કૃષિ હેતુઓ માટેજ નહિ પરન્‍તું વન્‍યજીવો માટે પણ પાણી પુરૂ પાડે છે.

ઉનાળા દરમીયાન મોટા ભાગના કેચમેન્‍ટ અને મોસમી પ્રવાહના વિસ્‍તારો સુકાઇ જાય છે અને પાણી ભરેલા ખાડા જેને સ્‍થાનિક રીતે શ્નઘુનાઙ્ખતરીકે ઓળખાવામાં આવે છે તેમા પાણી વધે છે. ગીરના જંગલની ડ્રેનેજ પેટર્ન અને ટેરેનના કારણે આવા કુદરતી પાણીના સ્ત્રોતોનું વિતરણ અસમાન છે. આના કારણે વન્‍યજીવો જે બાજુ વધુ પાણી હોય તે બાજુ વધુ જતા રહેતા હોય છે. પાણીના પોઇન્‍ટનું ઇકોસિસ્‍ટમ ફંક્‍શનીંગ અને વન્‍યપ્રાણીઓની હિલચાલ સાથેના જોડાણના કારણે તેનું વ્‍યસ્‍થાપન મહત્‍વપુર્ણ બની જાય છે. તેથી વ્‍યવસ્‍થાપકો માટે ગીરના જંગલોમાં ઉનાળાની ઋતુ દરમીયાન પાણીનાં પોઇન્‍ટનું વ્‍યવસ્‍થાપન કરવું અગત્‍યનું બની જાય છે.

ગીરના જંગલોમાં પાણીના પોઇન્‍ટને કુદરતી અને કૃત્રિમ એમ બે ભાગોમાં વિભાજીત કરવામાં આવેલા છે. કુદરતી પાણીના પોઇન્‍ટ એવા હોય છે જે આખા વર્ષ દરમીયાન જો તે વિસ્‍તારમાં વરસાદ પુરતા પ્રમાણમાં પડ્‍યો હોય તો કુદરતી ડિપ્રેશન, નદીઓ અથવા મોટા પ્રવાહોમાં પાણીનો સંગ્રહ કરે છે. કૃત્રિમ પાણીના પોઇન્‍ટ માનવસર્જિત હોય છે, જે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં વન્‍યજીવો માટે પાણી પુરૂ પાડવા બનાવવામાં આવે છે.

ગીરનાં જંગલોમાં ઉનાળાની ઋતુ દરમીયાન વન્‍યજીવોને પાણી મળી રહે તે માટે પદાધીકારીઓ દ્વારા વૈજ્ઞાનિક રીતે મુલ્‍યાંકન કરવામાં આવેલ છે. ગીરમાં કુલ ૬૧૮ પાણીના પોઇન્‍ટ આવેલા છે જે પૈકી ૧૬૭ કુદરતી અને ૪૫૧ કૃત્રિમ પાણીના પોઇન્‍ટ છે. કૃત્રિમ પાણીના પોઇન્‍ટ વિવિધ માધ્‍યમો દ્વારા ભરવામાં આવે છે જેમા વધુમાં વધુ સૌર અને પવન ઉર્જા જેવા ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાના પ્રયાસો કરવામાં આવે છે. સૌર ઉર્જા સૌથી વધુ ઉપયોગમાં લેવાતો સ્ત્રોત છે. સૌર ઉર્જાની મદદથી કુલ ૧૬૩ પાણીના પોઇન્‍ટ ભરવામાં આવે છે. આ ઉપરાંત શ્રમયોગી(મજુર) દ્વારા ૧૧૯, પાણીના ટેન્‍કરની મદદથી ૮૦, પવન ચક્કી (પવન ઉર્જા) દ્વારા ૬૯ અને અન્‍ય માધ્‍યમો દ્વારા ૨૦ પાણીના પોઇન્‍ટ ભરવામાં આવે છે (આકૃતી ૧).

પાણીના પોઇન્‍ટની બાજુમાં માંદણા બનાવવાના પણ પ્રયત્‍નો કરવામાં આવેલ છે. સાબર અને જંગલી ભુંડ જેવી પ્રજાતિઓ માટે આ માંદણા ખુબજ મહત્‍વપુર્ણ છે જે તેના શરીરને ગરમીથી રક્ષણ આપે છે અને તાપમાનને નિયંત્રીત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે બાહ્યપરોપ્‍જીવી કિટકો ને શરીર પરથી દુર કરવામાં, ચામડીને લગત કોઈ અન્‍ય તકલીફમાં મદદરૂપ થાય છે. પાણીના પોઇન્‍ટમાંથી ઉભરાઇને આવતું પાણી આ માંદણામાં આવે છે જેથી પાણીનો સંપુર્ણ ઉપયોગ થાય છે.

માંદણા ઉપરાંત પાણીના પોઇન્‍ટ પર અડધી ડુબેલી અને અડધી બહાર રહે તે રીતે બે શણના કોથળાઓ રાખવામાં આવે છે. આ કોથળાઓ કિટકોને પાણી પુરૂ પાડે છે અને હવા ના કારણે પાણીમાં ઉત્‍પન્ન થતી લહેરોથી આવા કિટકોને ધોવાઇ જવાથી બચાવે છે. જો પાણીના પોઇન્‍ટની બાજુમાં માંદણુ હોય તો આ કોથળાઓની જરૂર પડતી નથી કેમ કે માંદણા આ હેતુ પુરો પાડે છે.

ગીરના જંગલમાં વન્‍યજીવોને ટકાવી રાખવા આ કૃત્રિમ પાણીના પોઇન્‍ટ કુદરતી પાણીના પોઇન્‍ટ સાથે વિવિધ વન્‍યપ્રાણીઓની પાણીની જરૂરીયાત પુરી કરે છે. ગીરના જંગલમાં પાણીના પોઇન્‍ટનું વ્‍યસ્‍થાપન વન્‍યજીવના સંરક્ષણ અને વ્‍યવસ્‍થાપનની કામગીરીનું એક ખુબજ મહત્‍વપુર્ણ સાધન છે.

 

(12:30 PM IST)