<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th April 2024

સુરેન્‍દ્રનગર બેઠક પર વધુ પાંચ ઉમેદવારી ફોર્મ ભરાયાઃ ૪ અપક્ષોએ ઝૂકાવ્‍યું

વઢવાણ,તા. ૧૯: સુરેન્‍દ્રનગર જિલ્લાની લોકસભા બેઠક માટે ગત તા. ૧૨મી એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. અત્‍યાર સુધીમાં લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર ૧૧ ઉમેદવારોએ ૧૭ ઉમેદવારીપત્રો ભર્યા છે.જેમાં ગુરૂવારે ૪ અપક્ષ ઉમેદવારો સહિત પ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે તા. ૧૯મી એપ્રિલ ફોર્મ ભરવાનો અંતીમ દિવસ હોઈ કચેરીઓમાં ઉમેદવારો અને ટેકેદારોનો ધસારો રહે તેવી શકયતા છે.

સુરેન્‍દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતીમ દિવસે વધુ પાંચ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં ૪ અપક્ષોએ ઝુકાવ્‍યુ છે. ગુરૂવારે દેત્રોજ તાલુકાના રામપુરામાં રહેતા પટેલ મધુસુદનભાઈ બળદેવભાઈએ મિશન ઈન્‍ડપેન્‍ડેન્‍ટ જસ્‍ટીસ પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. જયારે ધ્રાંગધ્રાના મેથાણ ગામના જગદીશભાઈ કાનજીભાઈ પટેલ, ધંધૂકાના મહેશભાઈ કાનજીભાઈ જાદવ અને ઝાલા દેવરાજભાઈ બાબુભાઈ, ધોલેરા તાલુકાના કાસીન્‍દ્રા ગામના રમેશભાઈ વીરસંગભાઈ વાઘેલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સુરેન્‍દ્રનગર બેઠક પર અત્‍યાર સુધીમાં ૧૧ ઉમેદવારોએ ૧૭ ઉમેદવારીપત્રો ભર્યા છે. જેમાં ભાજપના ચંદુભાઈ શિહોરાએ ૪, ડમી ઉમેદવાર શંકરભાઈ વેગડે ૨, કોંગ્રેસના ઋત્‍વીકભાઈ મકવાણાએ ૪, ડમી ઉમેદવાર નૌશાદભાઈ સોલંકીએ ૧ અને જનસેવા ડ્રાઈવર પાર્ટીના અશોકભાઈ પટેલે ૧ ફોર્મ ભરી અગાઉ ઉમેદવારી કરી હતી. જયારે ગુરૂવારે વધુ પ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્‍યુ છે. આજે તા. ૧૯મી એપ્રિલ ફોર્મ ભરવાનો અંતીમ દિવસ હોઈ કચેરીઓમાં ઉમેદવારો અને ટેકેદારોનો ધસારો રહે તેવી શકયતા છે. તા. ૧૯મીએ ફોર્મ ભરાયા બાદ તા. ૨૦મી એપ્રિલએ ચકાસણી અને તા. ૨૨મી એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ મુકરર કરાયો છે.

 

(12:23 PM IST)