News of Thursday, 25th April 2024
કાળ જાણે પોકારતો હતો...વાળ કપાવવા જવાનું કહીને નદીમાં ન્હાવા પડયા ને બે મિત્રોનો જીવ ગયો
પારડીના ૧૭ વર્ષના આર્યન રાઠોડ અને ૧૫ વર્ષના નયન વેગડાના ખોખડદળ નદીમાં ડૂબી જતાં મોતથી પરિવારમાં ગમગીની

રાજકોટઃ કાળનું તેડુ ક્યારે ક્યાં અને કેવી રીતે આવી જાય તેની કાળા માથાના માનવીને ખબર હોતી નથી. શાપરના પારડી ગામે રહેતાં બે મિત્રો સાથે આવુ જ કંઇક બની ગયુ હતું. પારડી રહેતાં આર્યન ભરતભાઇ રાઠોડ (ઉ.વ.૧૭) અને નયન અજયભાઇ વેગડા (ઉ.વ.૧૫) ગઇકાલે સાંજે ઘરેથી વાળંદની દુકાને વાળ કપાવવા જવાનું કહીને નીકળ્યા બાદ કાળ જાણે બોલાવતો હોય તેમ ખોખડદળની નદીએ ન્હાવા માટે પહોંચી ગયા હતાં. અહિ બંને ન્હાતી વખતે પાણીમાં ગરક થઇ જતાં ફાયર બ્રિગેડને જાણ થતાં તરવૈયાઓએ પહોંચી અડધો કલાકની જહેમત બાદ બંને મિત્રોને બેભાન હાલતમાં બહાર કાઢતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વારાફરતી બંનેએ દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ભાવેશભાઇ મકવાણાએ આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. જે. એમ. બોસીયાએ કાર્યવાહી કરી હતી. આર્યન બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. જ્યારે નયન એક બહેનથી નાનો હતો. બંને મિત્રો દસ નાપાસ હતાં. સાંજે વાળ કપાવવા જવાનું કહીને નીકળ્યા બાદ નદીમાં ન્હાવા ગયા હતાં અને જળઘાત નડી ગઇ હોય તેમ બંનેના મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
