<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

મોરબીના છેવાડાના વિસ્‍તારને પીવાના પાણીની કાયમી સમસ્‍યા ઉકેલવા માંગ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૭ : મોરબી શહેરના માળિયા વનાળીયા, ન્‍યુ ત્રાજપર અને ઉમિયાનગર ધોરા વિસ્‍તારમાં કાયમી માટે પાણીની સમસ્‍યા હોય જે મામલે સામાજિક કાર્યકરે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી પાણીની સમસ્‍યામાંથી છુટકારો આપવા માંગ કરી છે.

વિપુલભાઈ વાઘેલા અને રામજીભાઈ ચાવડાએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી જણાવ્‍યું છે કે માળિયા વનાળીયા ગ્રામ પંચાયત વિસ્‍તારના માળિયા વનાળીયા, રામદેવનગર, ઉમિયાનગર શક્‍તિ સોસાયટી તેમજ ન્‍યુ ત્રાજપર ગ્રામ પંચાયતના ઉમિયાનગર ધોરા વિસ્‍તારમાં કાયમી પાણીની સમસ્‍યા રહે છે જયાં છેલ્લા કેટલાય સમયથી નિયમિત પીવાનું પાણી મળતું નથી જેથી લોકોને વેચાતું પાણી લેવાની ફરજ પડે છે

આ વિસ્‍તારમાં મોટાભાગે શ્રમિક પરિવારો રહેતા હોય જે કાયમી પાણી માટે પૈસા ખર્ચી સકે તેમ ના હોય જેથી પાણીની સમસ્‍યામાંથી મુક્‍તિ અપાવવા માંગ કરી છે અને પ્રશ્ન ના ઉકેલાય તો આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્‍યું છે.

(12:01 PM IST)