તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
પોરબંદર કલેકટર કચેરીએથી વેબકાસ્ટીંગ દ્વારા જિલ્લાના ર4ર મતદાન મથકોનું નિરીક્ષણ કરાયું

પોરબંદર, તા.8 : કલેકટર કચેરી ખાતેથી ચૂંટણી દરમિયાન જિલ્લાના 242 મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ કરી નિરીક્ષણ કરાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.ડી.લાખાણીના માર્ગદર્શનમાં 30 કર્મચારીઓએ કંટ્રોલ રૂમ ખાતે કામગીરી કરી હતી.
પોરબંદર લોકસભાની બેઠક અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીના આજે યોજાયેલા મતદાનમાં પોરબંદર જિલ્લામાં સમાવિષ્ટ પોરબંદર અને કુતિયાણા મતવિસ્તારના 50 ટકા મતદાન મથકોમાં વેબ કાસ્ટિંગ કરી જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોરબંદર વિધાનસભા અને કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં કુલ 484 મતદાન મથકો માંથી 50 ટકા લેખે 242 મતદાન મથકોમાં વેબ કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કે.ડી. લાખાણીએ આ કામગીરીનું પોરબંદર કલેક્ટર કચેરી ખાતે ઉભા કરાયેલા કંટ્રોલરૂમમાં નિરીક્ષણ કર્યું હતું. પોરબંદર કલેક્ટર કચેરી ખાતેના કંટ્રોલરૂમમાં કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં 30 કર્મચારીઓની કોમ્પ્યુટર સહિતના સંસાધનો સાથે નિયુક્તિ કરવામાં આવી હતી. સવારથી જ મતદાન પૂર્વેની પ્રક્રિયા અને ત્યારબાદ મતદાનની કામગીરીનું જિલ્લા કક્ષાએથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર શ્રી એ કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર કરવાની થતી કામગીરી ઉપરાંત મતદાન મથકોમાં પોલિંગ સ્ટાફને જરૂરી માર્ગદર્શન મળી રહે અને નિયમ અનુસાર મતદાનની કામગીરી થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પોરબંદર લોકસભાની બેઠક અને પોરબંદર વિધાનસભાની બેઠકમાં આજે સંપૂર્ણ શાંતિમય રીતે મતદાનની કામગીરી પૂર્ણ થતા કલેક્ટરશ્રીએ પોલિંગ સ્ટાફ સહિત સૌને અભિનંદન આપ્યા હતા.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
