તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
કચ્છી નસલનો બકરો ૭૦ હજારમાં વેચાયો
અગાઉ બ્રીડિંગ માટે પાડા તેમ જ કાંકરેજ ધણ ખૂંટની પણ ઊંચી બોલી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯: કચ્છના લખપત તાલુકાના દોલતપર ગામે રહેતા એક માલધારીના કચ્છી નસલના બકરાની કિંમત રૂપિયા ૭૦ હજાર ઉપજી હતી. ભારતમાં અંદાજિત બકરીઓની ૨૨ જેટલી નસલો પ્રચલિત છે.
જેમાં ગુજરાતમાં મુખ્યત્વે સુરતી, મહેસાણી, ઝાલાવાડી, ગોહિલવાડી અને કચ્છી નસલની બકરીઓ જોવા મળે છે, તો બીજી તરફ લખપત તાલુકાના દોલતપર ગામે રહેતા અને લગભગ સાત પેઢીથી બકરા પાલનના વ્યવસાય સાથે જોડાયેલા માલધારી બુધાભાઈ ખેંગારભાઈ રબારી પાસે હાલમાં ૨૫૦ જેટલી બકરીઓનું વગ છે, પોતાની પાસે રહેલા મોટી સંખ્યામાં ઘેટા બકરાને લઈને અવારનવાર તેઓ તેનું વેચાણ પણ કરે છે અને તેમની પાસેથી કચ્છ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ આ કચ્છી નસલના બકરાઓને ખરીદી માટે અહીં આવે છે.
ત્યારે હાલમાં જ આ પશુપાલકે પોતાની પાસે રહેલા કચ્છી નસલના બકરાઓ પૈકીનો એકબકરો અંજાર તાલુકાના માલધારી ઈરફાન વાઘોડિયાને રૂ.સીતેર હજારની ઊંચી કિંમતમાં વેચાણ કર્યો છે પશુ પાલક બુધાભાઈએ જણાવ્યું હતું કે, અંજાર તાલુકાના માલધારીએ બ્રિડિગ માટે આ બકરો લીધો છે.
આ પશુપાલકે અગાઉ પોતાની પાસે રહેલા બકરાઓ પૈકી વર્ષ ૨૦૨૧ માં રૂ.૪૫ હજાર તેમજ ૨૦૨૨ માં રૂ. બાવન હજારમાં એક એક બકરો વેચ્યો હતો. જ્યારે આ વર્ષે તેમણે એથી વધુ ઊંચી કિંમતે નર બકરો રૂપિયા ૭૦,૦૦૦ ની કિંમતમાં વેંચ્યો છે. જોકે, અગાઉ કચ્છમાં ભેંસના બ્રિડિંગ માટે પાડા તેમ જ ગાય માટે કાંકરેજ ધણ ખૂંટ માટે પણ ઊંચી બોલી લાગી ચૂકી છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
