<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ચોટીલાના રાજાવડનો દિલીપ યુવતિને ભગાડી ગયા બાદ ગૂમ થયો : ચોથા દિવસે ક્રુરતાથી હત્‍યા કરાયેલી લાશ મળી

૨૬ વર્ષના યુવાનને બાજુના દેવસર ગામની યુવતિ સાથે કડીયા કામની મજૂરી કરતી વખતે ઓળખાણ બાદ પ્રેમ થઇ જતાં ચોથી તારીખે ભગાડી ગયો હતોઃ એ પછી યુવતિના સગાએ અમારી દિકરી મળી ગઇ છે, તમારા દિકરાને ભુલી જજો એવી વાત કરી હતી : શોધખોળ દરમિયાન ગત સાંજે રાજાવડની સીમમાંથી લાશ મળતાં રોષે ભરાયેલા પરિવારજનોએ ચક્કાજામ કર્યોઃ ચોટીલા પોલીસે યુવતિના પરિવારના છ લોકો નાગજી ગોવિંદભાઇ, સુખા રણછોડભાઇ, જયેશ નરસીભાઇ, રામા રણછોડભાઇ, દિનેશ કેહાભાઇ, વાલા માનસીંગભાઇ સામે ગુનો નોંધ્‍યોઃ લાશનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ :ગુપ્‍તાંગ વાઢી નાંખ્‍યાનો અને પગમાં ગોળી ધરબી દીધાનો આક્ષેપ

ગૂમ થયેલા દિકરા દિલીપની હત્‍યા કરાયેલી લાશ મળતાં પરિવારજનોએ ચક્કાજામ કરતાં પોલીસના ધાડેધાડા ઉતરી પડયા હતાં (ફોટોઃ ફારૂક ચોૈહાણ-વઢવાણ)

રાજકોટ તા. ૯: પ્રેમપ્રકરણને લીધે હત્‍યાની વધુ એક ઘટના સામે આવી છે.  ચોટીલાના રાજાવડ ગામે રહેતાં ૨૬ વર્ષના અપરિણીત યુવાનને બાજુના દેવસર ગામની યુવતિ સાથે કડીયા કામ કરતી વખતે પરિચય બાદ પ્રેમ થઇ ગયો હોઇ તે ચારેક દિવસ પહેલા યુવતિને ભગાડી જતાં યુવતિના પરિવારજનોએ બંનેને શોધી કાઢવા દોડધામ શરૂ કરી હતી. બીજા દિવસે યુવતિના સગાએ અમારી દિકરી અમને મળી ગઇ છે, તમારા દિકરાને હવે ભુલી જજો! તેમ કહેતાં  યુવાનના પરિવારજનોએ આકુળ વ્‍યાકુળ થઇ શોધખોળ શરૂ કરી હતી. ત્‍યાં ગત સાંજે રાજાવડ ગામની સીમમાં નદીના પટમાંથી તેની ક્રુર હત્‍યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. રોષે ભરાયેલા પરિવારના લોકો, સમાજના લોકોએ તુરંત કાર્યવાહીની માંગણી સાથે ચક્કાજામ કરતાં ઉચ્‍ચ પોલીસ અધિકારીઓના ધાડા ઉતરી પડયા હતાં. ચોટીલા પોલીસે છ લોકો સામે હત્‍યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળેલી વિગતો મુજબ ચોટીલાના રાજાવડ ગામે રહેતો અને કડીયા  કામની મજૂરી કરતો દિલીપ મુળાભાઇ વાઘેલા (ઉ.વ.૨૬) તા. ૪ના રોજ ઘરેથી કામે જવાનું કહીને નીકળ્‍યા બાદ ગૂમ થયો હતો. એ દરમિયાન સગા મારફત પરિવારને ખબર પડી હતી કે દિલીપ બાજુના દેવસર ગામના પ્રવિણભાઇ નરસીભાઇ મેસરીયાની દિકરીને લઇને ભાગી ગયો છે. આ પછી પાંચમી તારીખે યુવતિના સગાએ અમારી દિકરી મળી ગઇ છે, તમારા દિકરાને ભુલી જજો તેવી વાત કર્યા બાદ ગત સાંજે દિલીપની લાશ રાજાવટ ગામની સીમમાં બેલાની પાટવાળી સીમમાં પડતર જગ્‍યામાંથી મળી આવી હતી. તેની ક્રુરતાથી હત્‍યા થઇ હોઇ પરિવારજનોમાં રોષ ફેલાઇ ગયો હતો.

પોલીસે હત્‍યાનો ભોગ બનનાર દિલીપના પિતા મુળાભાઇ હમીરભાઇ વાઘેલા (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી દેવસર ગામે રહેતાં નાગજી ગોવિંદભાઇ, સુખા રણછોડભાઇ, જયેશ નરસીભાઇ, રામા રણછોડભાઇ, દિનેશ કેહાભાઇ અને  વાલા માનસીંગભાઇ વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૨, ૨૦૧, ૪૫૨, ૫૦૪, ૫૦૬ (૨), એટ્રોસીટી એક્‍ટ હેઠળ ઘરમાં ગેરકાયદે પ્રવેશી મુળાભાઇને અને તેના પરિવારને મારી નાખાવની ધમકી આપી તેના દિકરાને કોઇપણ રીતે મારી નાખી લાશને સગેવગે કરવા પટવાળી સીમમાં નાખી દીધાનો ગુનો નોંધ્‍યો છે.

મુળાભાઇ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે મારે ત્રણ દિકાર અને એક દિકરી છે. જેમાં દિલીપ સોૈથી નાનો અને કુંવારો હતો. તે કડીયા કામની મજૂરી કરતો. દેવસર ગામે ત્રણ માસથી કડીયા કામ ચાલતું હોઇ દિલીપ ત્‍યાં જ રહેતો હતો. ગત તા. ૩/૫ના રોજ મારા બહેન રાતડકી ગામે રહે છે તે પડી જતાં તેની ખબર કાઢવા દિલીપ રાતડકી ગયો હતો. તા. ૪/૫ના રોજ હું અને મારા પત્‍નિ પણ ખબર કાઢવા ગયા હતાં. ત્‍યારે મારા બહેન વિરૂબેને વાત કરી હતી કે દિલીપ કાલે અહિ આવ્‍યો હતો. પણ દેવસર ગામે કામ ચાલતુ હોઇ રેતી સિમેન્‍ટનો માલ પલાળી દીધો છે તેવો ફોન આવતાં ત્‍યાં તત્‍કાળ જવું પડશે તેમ કહીને ગયો હતો. એ પછી હું અને મારા પત્‍નિ બહેનના ઘરે જમીને સુઇ ગયા હતાં.

એ પછી મારા ભાઇ દિનેશભાઇનો ફોન આવેલો કે દિલીપ ક્‍યાં છે? તમે તાત્‍કાલીક ઘરે આવો. જેથી અમે ઘરે જતાં દિનેશભાઇએ કહેલું કે દેવસર ગામેથી ગનાભાઇનો ફોન હતો કે દેવસરના પ્રવિણભાઇ મેસરીયાની દિકરીને લઇને દિલીપ ભાગી ગયો છે. ગનાભાઇએ સંબંધના

નાતે આપણને વાત કરી છે. આ પછી અમે દિલીપીને શોધવા દોડધામ કરી હતી. એ દરમિયાન રાતે આઠેક વાગ્‍યે દેવસરના નાગજીભાઇએ મને ફોન કરી કયાં છો? પુછતાં મેં તેને આણંદપુર રોડે છું તેમ કહેતાં તેણે અમે વીસ પચ્‍ચીસ જણા મળવા આવીએ છીએ તેમ કહ્યું હતું અને મારી સાથે એલફેલ બોલ્‍યા હતાં અને ધમકી આપી હતી કે અમારી છોકરી ગોતીને તને તારો છોકરો તૈયાર કરીને હાથમાં આપી દેવો છે, તૈયાર કરવા માટે હું માણસો લઇને આવેલ છું. તેમ વાત કરતાં મને બીક લાગતાં હું ચાલીને જલારામ મંદિર તરફ જતો હતો. રસ્‍તામાં મારા ભાણેજ કિશોરભાઇને ફોન કરી  ચોટીલા જલારામ મંદિર પાસે આવવાનું કહેતાં મારો ભાણેજ આવ્‍યો હતો. એ પછી અમે બંને અમારા વેવાઇ નાનજીભાઇ ખેતરીયા (નાની મોલડી)ની વાડીએ ગયા હતાં. મને બ્‍લડપ્રેસર  હોઇ તબીયત બગડતાં હું ત્‍યાં રોકાયો હતો.

બીજા દિવસે તા.૫ના રોજ અમે મારા દિકરા અને પ્રવિણભાઇની દિકરીને શોધવા કામે લાગ્‍યા હતાં. ત્‍યાં મારા ભાઇ દિનેશભાઇના ફોન પર દેવસર ગામેથી કોઇનો ફોન આવ્‍યો હતો અને અમે અમારી દિકરી શોધી લીધી છે તેમ કહેતાં મારા ભાઇએ અમારો દિકરો ક્‍યા છે? તેમ પુછતાં તેણે હવે તમારો દિકરો ભુલ જવાનો તેમ કહ્યું હતું. એ પછી દેવસર ગામ પાસે નાગજીભાઇ અમને મળતાં તેને અમારા દિકરા વિશે પુછતાં તેણે કહેલું કે-હવે તારો દિકરો જિંદગી આખી ભુલી જજે, કુતરા કાગડા ખાઇ ગયા હશે તેમ કહ્યું હતું. ત્‍યારબાદ અમે અમારા ગામમાં આવી સગા સંબંધીને વાત કરી હતી.

ત્‍યારબાદ મારા ભાઇ નથુભાઇએ વાત કરી હતી કે દેવસરના નાગજીભાઇ, સખુાભાઇ, જયેશભાઇ, રામભાઇ, દિનેશભાઇ વાલાભાઇ એમ બધા ઘરે આવ્‍યા હતાં અને અમારી દિકરી ક્‍યાં છે એ કહી દો નહિતર બધાને મારી નાખવા છે તેમ કહી ધમકી આપી જતાં રહ્યા છે. અમારા દિકરાની શોધખોળ અમે ચાલુ રાખી હતી. એ દરમિયાન ગઇકાલે બુધવારે તા. ૮ના બપોર બાદ ઢોર રાજાવડ ગામની સીમમાં ઢોર ચરાવતાં યુવાન મારફત વાત મળી હતી કે સીમમાં એક યુવાનની લાશ પડી છે. આથી અમે બધાએ ત્‍યાં જઇ જોતાં એ લાશ અમારા દિકરા દિલીપની જ હોવાની ખાતરી થઇ હતી. તેના ડાબા હાથનું માંસ નીકળી ગયું હતું, હાડકુ દેખાતુ હતું. લાશ કોહવાઇ ગઇ હતી અને ખુબ વાસ આવતી હતી. એ પછી અમે પોલીસને જાણ કરી હતી. ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવા મૃતદેહને પોલીસે રાજકોટ ખસેડયો હતો.

મુળાભાઇએ વધુમાં કહ્યું હતું કે દેવસરના પ્રવિણભાઇની દિકરીને મારો દિકરો દિલીપ પ્રેમસંબંધને કારણે ભગાડી ગયો હોઇ તેનું મનદુઃખ રાખી તેને નાગજીભાઇ, સુખાભાઇ, જયેશભાઇ, રામાભાઇ, દિનેશભાઇ અને વાલાભાઇએ ભેગા મળી કોઇપણ રીતે મારા દિકરાની હત્‍યા કરી લાશ સગેવગે કરવા સીમમાં ફેંકી દીધી હતી. ચોટીલા પીઆઇ આર. એમ. સંગાડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વઢવાણના પ્રતિનિધી ફારૂક ચોૈહાણના અહેવાલ મુજબ દિલીપની લાશ મળતાં પરિવારજનોએ તત્‍કાળ કાર્યવાહીની માંગણી કરી રોડ પર ચક્કાજામ કરતાં લીંબડી નાયબ પોલીસ અધિક્ષકરી વી. એમ. રબારી, સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડયા, એલસીબીની ટીમો ઘટના સ્‍થળે પહોંચી હતી અને ન્‍યાયી કાર્યવાહીની ખાત્રી આપી તત્‍કાળ ગુનો દાખલ કરાવતાં પરિવારજનો શાંત પડયા હતાં અને મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.

રાજકોટ ખાતે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મૃતકનું ગુપ્‍તાંગ વાઢી નખાયુ છે અને પગમાં ગોળી ધરબી દેવામાં આવી છે. જો કે ખરેખર આવુ થયું છે કે કેમ? હત્‍યા કઇ રીતે થઇ? તે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવ્‍યા બાદ પોલીસ જાહેર કરશે. આગળની તપાસ ચોટીલા પોલીસ કરે છે. યુવાન દિકરાની હત્‍યાથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(11:34 AM IST)