તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
મોરબી કચ્છ બેઠક ઉપર મતદાનનો ફાઈનલ આંકડો ૫૬.૧૪ ટકા
૨૦૧૯ કરતાં ૨ ટકા ઓછું, મોરબી વિસ્તારનું ૫ ટકા ઓછું, ૨૦૧૪માં કુલ ૬૨.૭૮, ૨૦૧૯માં ૫૮.૭૧ ટકા મતદાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ : મોરબી કચ્છ લોકસભા બેઠક ઉપર મતદાનનો ફાઈનલ આંકડો હવે ૫૬.૧૪ ટકા થયો છે. મતદાનના દિવસે ૫૫.૩૦ ટકા અંદાજિત આંકડો જાહેર થયા બાદ તંત્ર દ્વારા તમામ મતદાન મથકોના આંકડાઓનું સર્વેક્ષણ કરાયા બાદ અંતિમ ફાઈનલ આંકડો ૫૬.૧૪ ટકા ઉપર પહોંચ્યો છે. જોકે, કુલ ૭ વિધાનસભા વિસ્તારમાં કચ્છના ૬ અને મોરબી નો ૧ વિસ્તાર છે. જે પૈકી ૨૦૧૯ માં મોરબી વિસ્તારમાં ૬૩.૨૬ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૨૦૨૪ માં ૫૮.૨૬ ટકા મતદાન થતાં ૫ ટકા મતદાન આ વિસ્તારમાં ઘટ્યું છે. હવે, આંકડાકીય રીતે સાતેય વિધાનસભા વિસ્તાર સાથે સમગ્ર બેઠકનું વિશ્લેષણ કરીએ તો ૨૦૧૯ માં મતદાન ૫૮.૭૧ હતું. જ્યારે આ વખતે ૫૬.૧૪ ટકા છે એટલે માત્ર કુલ ૨ ટકા ઓછું મતદાન થયું છે. જ્યારે ૨૦૧૯ ની અપેક્ષાએ મતદારો ની સંખ્યા વધી હોઈ ૨૦૨૪ માં ૨૦૧૯ ની અપેક્ષાએ વધુ ૭૫ હજાર મતદારો એ મતદાન કર્યું છે. જોકે, જે રીતે ભારે ગરમી અને હીટ વેવની પરિસ્થિતિ હતી એ હિસાબે મતદાન નો આંકડો જળવાયો છે એવું ગણી શકાય. ૨૦૧૪ માં કુલ મતદાન ૬૨.૭૮ ટકા થયું હતું. જ્યારે ૨૦૧૯ માં ૫૮.૭૧ ટકા થયું હતું. આ વખતે ૨૦૨૪ માં ૫૬.૧૪ ટકા થયું છે. કુલ ૧૧ ઉમેદવારો.પૈકી મુખ્ય જંગ ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નિતેશ લાલણ વચ્ચે છે. જોકે, ભાજપના વિનોદ ચાવડા ત્રીજી વખત ચુંટણી લડી રહ્યા છે અગાઉ ૨.૫૦ લાખ અને ૩ લાખ ઉપરની સરસાઈથી ચુંટણી જીતી ચૂક્યા છે. આ વખતે તેમના માટે હેટ્ટ્રિક નો ચાન્સ છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
