તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
ખનીજ ચોરીમાં સુદામડાના પિતા પુત્રની જામીન અરજી રદ

વઢવાણ, તા.૯: સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા કુખ્યાત ખનીજ માફીયા સામે રૂ.૨૭૦ કરોડની ખનીજ ચોરી બાદ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે હાલ જેલવાસ ભોગવતા આરોપી પિતા-પુત્રે રેગ્યુલર જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા સોતાજ યાદવ, તેમના પુત્ર કુલદીપ યાદવ સહિતનાઓ સામે રૂ. ૨૭૦ કરોડની ખનીજ ચોરીની ફરિયાદ થઈ હતી. આ સાથે એકસપ્લોઝીવ, ખંડણી માંગવી, ગેરકાયદેસર હથીયાર રાખવા સહિતની અલગ-અલગ ફરિયાદ નોંધાઈ હતી. આ દરમીયાન તા. ૨૬ ઓકટોબર ૨૦૨૩ના રોજ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પણ ફરિયાદ સાયલા પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં સુદામડાના ખેડૂત લાલજીભાઈ રૂદાતલાની ખેતીની જમીન પર સોતાજ યાદવ સહિતનાઓએ ગેરકાયદેસર રીતે કબજો કરી પચાવી પાડી હતી. અને આ જમીનમાં ગેરકાયદેસર ખનીજનું ખનન ચાલુ કર્યુ હતુ. બનાવની જાણ લાલજીભાઈને થતા તેઓ જમીન પર જતા સોતાજ યાદવ જયાં પગ મુકે તે જમીન તેની થઈ જાય, આ જમીન મારી છે, હવે અહીં પગ મુકીશ તો લાશ પણ નહી મળે તેવી ધમકી આપી હતી.
આ લેન્ડગ્રેબીંગ સહિત અન્ય કેસોમાં ફરાર પિતા-પુત્રની ગત તા. ૯-૪-૨૪ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદ શહેરના રીવરફ્રન્ટ ખાતેથી ધરપકડ કરી હતી. હાલ જેલવાસ ભોગવતા પિતા-પુત્રે રેગ્યુલર જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર સ્પેશ્યલ લેન્ડ ગ્રેબીંગ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ જણાવ્યુ કે, અરજદાર આરોપી પિતા-પુત્ર ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. જો તેઓને જામીન પર મુકત કરાય તો ફરિયાદી અને સાહેદો સાથે સુલેહ ભંગ કરે તેવી શકયતા છે. આથી સુરેન્દ્રનગર લેન્ડ ગ્રેબીંગ કોર્ટના સ્પેશ્યલ જજ એ.આર.દેસાઈએ અરજદાર આરોપીઓ પિતા-પુત્ર સોતાજ યાદવ અને કુલદીપ યાદવની જામીન અરજી નામંજૂર કરી છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
