<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

કોંગ્રેસને ભ્રષ્‍ટ સાબિત કરવા પરોક્ષપણે અદાણી - અંબાણીને કાળાબજારીયા કહી રહ્યા છે ? વિરજીભાઇ ઠુંમર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૦: અમરેલીના પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરે કહ્યું છે કે, રાહુલ ગાંધીના સંસદના ભાષણમાંથી શોધી શોધીને અદાણીનું નામ રેકાર્ડમાંથી ભુસાવી નાખનારના કાન આજે રાહુલના મોઢે અદાણી શબ્‍દ સાંભળવા તરસે છે એ વાત પચવી અઘરી પડે છે. વડાપ્રધાનના પડ્‍યો બોલ ઝીલી લેતાં અને પ્રત્‍યેક વાતને માસ્‍ટર સ્‍ટ્રોકની દ્રષ્ટિએ જોતા સમજતા સમર્થકો આ નિવેદનને લઇ વીમાસણમાં છે કે પ્રતિક્રિયા આપવી તો શું આપવી ? વડાપ્રધાન કોંગ્રેસને ભ્રષ્ટ કહી રહ્યા છે કે અદાણી -અંબાણીને કાળાબજારીયા એ સમજાય તો ભક્‍તોને ટ્‍વીટર પર કોને ટ્રોલ કરવાં એની ખબર પડે.   એકતરફ ભક્‍તોનો પૈસા ભરેલો ટેમ્‍પો લઇ કોંગ્રેસ ભવન જતાં અદાણી -અંબાણીના ટાર્ગેટ કરવામાં ઊંછળકૂદ કરતા હશે અને બીજી તરફ ભાઈબંધો ઝગડીને પાછા ભેગા થઇ જાય તો આપણુ શું થાય એની ચિંતા સતાવતી હશે.

નોટબંધી  પછી કાળુનાણુ ખતમ કરી દીધું હતું તો અદાણી -અંબાણી પાસે આ કોથળા ને ટેમ્‍પો ભરી આવ્‍યું કયાંથી? આપણને છેતર્યા કે અદાણી -અંબાણીએ એ વિચારી ભક્‍તો માથું ખંજવાળતા હશે. મોદીજી હવામાં કોઈ વાત કરતાજ નથી એવો દાવો કરતાં સમર્થકોએ અદાણી કે અંબાણીના ટેમ્‍પોમાં કાળાનાણાંની હેરાફેરી પર  વિશ્વાસ કરવો જ પડે.

તેમ વિરજીભાઇ ઠુંમરે જણાવ્‍યુ છે ‘યે દોસ્‍તી નહિ તોડેંગે નું કોરસ દોસ્‍ત દોસ્‍ત ના રહયા માં ફેરવાઈ જતું જોઈ ભક્‍તો હિબકે ચઢયા હશે.   હિડનંબર્ગ પર તો અદાણીનો સાથ આપ્‍યો પણ આ કોંગ્રેસને પૈસા પહોંચાડતા ટેમ્‍પોને  કેમ કરી બચાવવો? આ મોટો ‘ ઉભો થયો છે. ભગવાન ભક્‍તોની પરીક્ષા લે એ સાંભળ્‍યું તું આજે પ્રત્‍યક્ષ દેખાયું. મોદી સમર્થકોને થતું હશે કે ટેમ્‍પો પૈસા અને કોંગ્રેસ સુધી ઠીક હતું બસ ડ્રાંઇવર બદલી નાખવાનો હતો, જેમાં સાહેબે ચુકી ગયાં. અદાણીના બદલે કોઈ અદનાન કે અંબાણીના બદલે અબ્‍દુલ હોત તો માત્ર ટેમ્‍પો નહિ આખો દેશ સળગાવી દેત પણ આ તો આખો મામલો જ ઘર કા ભેંદી ટેમ્‍પો લાયે તેવો છે. તેમ વિરજીભાઇ ઠુંમરે જણાવ્‍યુ છે.

કોંગ્રેસ હંમેશા અદાણી અને અંબાણીના મિત્ર તરીકે વડાપ્રધાનને લોકો વચ્‍ચે પ્રસ્‍થાપિત કરતી આવી છે. કેન્‍દ્ર સરકાર આ બેઉ ધનપતીઓના નિયંત્રણમાં હોવાનો અને દેશના સંસાધનો તેમને વેચી નાખવાના આરોપ કોંગ્રેસ સડકથી લઇ સંસદ સુધી કરતી આવી છે. પરંતુ તમામ આરોપો ઉપર વડાપ્રધાનને કયારેય પ્રતિક્રિયા આપી નથી તો હવે રાહુલ ગાંધીને કઠેડામાં ઉભા કરવાં અદાણી - અંબાણીના ખભે બંદૂક કેમ મુકાઈ એ યક્ષ પ્રશ્‍ન છે. તેમ વિરજીભાઇ ઠુંમરે અંતમાં જણાવ્‍યું છે.

(1:57 PM IST)