તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
ધોરાજીના ભુખી ગામે સસરાએ જમાઇને પાઇપથી ફટકારી પગ ભાંગી નાંખ્યોઃ દિકરીને પણ ફટકારી
લવમેરેજ કર્યાના ત્રણ વર્ષ બાદ ગામમાં આવતાં જ હીચકારો હુમલો થયો હરેશ ઉર્ફ મયુરે બાબુભાઇ વાઘેલાની દિકરી રાજેશ્રી સાથે પ્રેમલગ્ન કર્યા છેઃ બંનેને બાઇક સહિત બોલેરોની ઠોકરે ચડાવી હુમલોઃ ધોરાજી તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૩: ધોરાજી તાલુકાના ભુખી ગામે એક પ્રોૈઢે પોતાના જમાઈ અને દિકરીને બાઇક સહિત બોલેરોની ઠોકરે ઉલાળી દીધા બાદ જમાઇને પાઇપના ઘા ફટકારી પગ ભાંગી નાખતા અને દિકરી વચ્ચે પડતાં તેને પણ ફટકારતાં પોલીસે ગુનો નોંધ્યો છે. લવમેરેજ બાદ આ બંને વાડીએ જ રહેતાં હતાં. ત્રણ વર્ષ બાદ ગામમાં આવી ફરી વાડી તરફ જતાં હતાં ત્યારે આ હુમલો થયો હતો.
આ બનાવમાં ધોરાજી તાલુકા પોલીસે ભુખી ગામે રહેતા હરેશ ઉર્ફે મયુર લાધાભાઈ વાહેજા (ઉ.વ ૨૭) નામના કોળી યુવાનની ફરિયાદ પરથી ભુખી ગામે જ રહેતાં તેના સસરા બાબુભાઇ ચનાભાઇ વાઘેલા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને વેગડી રોડ પર ૧૫ વીઘા ખેતીની જમીન આવેલી છે જ્યાં તે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે આજથી બે ત્રણ વર્ષ પૂર્વે બાબુભાઈની દીકરી રાજેશ્રી સાથે લવમેરેજ કર્યા હતા અને એકાદ વર્ષ બરડીયા રહેવા ચાલ્યા ગયા હતા. બાદમાં ગામની સીમમાં આવેલી વાડીએ રહેવા લાગ્યા હતા. કયારેક તેઓ રાત્રે સુવા માટે અહીં ઘરે આવતા હતા.
આ દરમિયાન ગત અગીયારમી તારીખે પતિ-પત્નિ વાડીએથી ગામમાં આવ્યા હતા અનેં બીજા દિવસે સવારના બાઈક લઇ વાડીએ જોવા માટે નીકળ્યા હતા. આ વખતે ભુખી ગામની સીમમાં શીતળા માતાજીના મંદિર પાસે પહોંચતા હરેશ ઉર્ફ મયુરના સસરા બાબુ વાઘેલા બોલેરો ગાડી લઈને આવતા હોઇ તે દિકરી જમાઇને જોઇ જતાં બોલેરો પાછળ દોડાવી હતી અને બાઇકને ઠોકરે ચડાવી બંનેને પછાડી દીધા હતાં.
ત્યારપછી બાબુભાઈએ બોલેરોમાંથી પાઇપ કાઢી તું કેમ આજે ગામમાં આવ્યો? તેમ કહી ગાળો આપી હતી. જેથી હરેશે ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઇ પાઇપના બેફામ ઘા માર્યા હતા. દરમિયાન બાબુભાઇની દિકરી રાજેશ્રી વચ્ચે પડતા તેને પણ તેણે પાઇપથી ફટકારી હતી. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં બાબુભાઇ જતાં રહ્યા હતાં. હરેશ ઉર્ફ મયુરને હોસ્પિટલમાં ખસેડાતાં પગમાં ફ્રેકચરનું નિદાન તબિબે કર્યુ હતું. ધોરાજી તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. દિવ્યરાજસિંહ પઢીયારે બાબુ વાઘેલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
