News of Monday, 13th May 2024
નવા સુરજદેવળ મંદિરે સૂર્ય ઉપાસકોએ પારણા કર્યાઃ સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરીને પરસોતમભાઈ રૂપાલાએ ધન્યતા અનુભવી
નવા સુરજદેવળ ખાતે કાઠી દરબારો સાડા ત્રણ દિવસ ઉપવાસ સાથે સૂર્યનારાયણ ભગવાનના રથ સાથે કાઠી દરબાર સમાજના યુવાનો હજારોની સંખ્યામાં ઘોડેસવારી કરીને નવા સુરજદેવળ ખાતે પહોંચ્યા'તા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૩: ચોટીલાના નવા સુરજદેવળ મંદિર ખાતે ઉપવાસના છેલ્લા દિવસે સૂર્ય ઉપાસકોએ પારણા કર્યા હતા. ત્યારે સુર્ય મંદિરે સેવકો દ્વારા રંગબેરંગી ફટાફટ ફોડીને આતશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવા સુરજદેવળ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટયો હતો.
રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાએ ચૂંટણી પૂર્ણ થયા બાદ ચોટીલા નવા સુરજદેવળ મંદિરે કાઠી ક્ષત્રિય સમાજના સાડા ત્રણ દિવસના ઉપવાસ સમયે ભગવાન સૂર્યનારાયણના દર્શન માટે પહોંચીને ધન્યતા અનુભવી હતી.
નવા સુરજદેવળ ખાતે કાઠી દરબારો સાડા ત્રણ દિવસ ઉપવાસ કર્યા હતા. જે અંતર્ગત મોટી સંખ્યામાં સુર્યનારાયણ ભગવાના રથ સાથે કાઠી દરબાર સમાજના યુવાનો હજારોની સંખ્યામાં ઘોડેસવારી કરીને નવા સુરજદેવળ ખાતે પહોંચ્યા હતા. જેમાં ચોટીલાના નાવા ગામથી નવા સુરજદેવળ મંદિર સુધી સુર્યનારાયણ ભગવાની રથયાત્રા સાથે કાઠી દરબારો દ્વારા મોટી સંખ્યામાં ઘોડેસવારી કરીને પહોંચ્યા હતા.
શ્રી નવા સુરજ દેવળ મંદિર મુકામે ગત તા.૮.૫.૨૦૨૪ના રોજ ઉપવાસ પર્વના પ્રથમ દિવસે ચોટીલા તાલુકાના નાવા ગામેથી સૂર્ય રથ તેમજ ઘોડેસ્વારો સાથે શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બળવીરભાઈ ખાચર તેમજ નાવા ગામ સમસ્ત શ્રી સૂર્યરથ યાત્રાની નવાગામના રામજી મંદિરથી સામૈયા કરી અને વાજતે ગાજતે ધામધૂમપૂર્વક રથયાત્રાનું નવા સુરજદેવળ મંદિર તરફ પ્રસ્થાન કરાવ્યું હતું અને સેવાનો લાભ લીધો હતો.
જેમાં મોટી સંખ્યામાં કાઠી દરબારો, સૂર્ય ઉપાસકો અને ઘોડેશ્વારો તેમજ મોટી સંખ્યામાં જનમેદની સાથે શોભાયાત્રી નીકળી હતી. જે શ્રી નવા સુરજદેવળ મંદિર મુકામે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમા ઉપવાસના પ્રથમ દિવસે સૌએ દર્શનનો લાહવો લઈ અને ધન્યતા અનુભવી હતી. ત્યારે નવા સુરજદેવળ મંદિર ખાતે આજે ઉપવાસના છેલ્લા દિવસે સૂર્ય ઉપાસકોએ પારણા કર્યા હતા. ત્યારે સુર્ય મંદિરે સેવકો દ્વારા રંગબેરંગી ફટાફડા ફોડીને આતશબાજી કરવામાં આવી હતી.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
